TVKના મંત્રીની તામિલનાડુ માટે અલગ ધ્વજની માગ

ચેન્નઈઃ તામિલનાડુ સરકારના મંત્રી આધવ અર્જુનના નિવેદનથી વિવાદ ઊભો થયો છે. તેમણે કહ્યું છે કે તામિલનાડુનો પોતાનો અલગ ધ્વજ હોવો જોઈએ. તમિળ ભાષાને પ્રાથમિકતા આપતો ધ્વજ બનાવવાની પણ તેમણે હિમાયત કરી છે. તેમના આ નિવેદનને લઈને ભાજપ (BJP)એ નિશાન સાધ્યું છે.

તામિલનાડુ દિવસના કાર્યક્રમમાં બોલતાં તેમણે કહ્યું હતું કે તામિલનાડુનો પોતાનો અલગ ધ્વજ હોવો જોઈએ. જે રીતે અન્ય ઘણાં રાજ્યોના પોતાના ધ્વજ છે, તેવી જ રીતે તામિલનાડુ માટે પણ એક ધ્વજ હોવો જોઈએ. આપણે એવો ધ્વજ બનાવવો જોઈએ જે તમિળ ભાષાને પ્રાથમિકતા આપે. આ ધ્વજ પહેલી વાર પહેલી નવેમ્બર અને 18 જુલાઈએ મુખ્ય મંત્રી દ્વારા ફરકાવવામાં આવવો જોઈએ. આજે આપણે એવા વળાંક પર ઊભા છીએ, જ્યાં તમિલનાડુ માટે એવો ધ્વજ બનાવવાની જરૂર છે, જેને રાષ્ટ્રધ્વજ જેટલું જ સન્માન મળે.

તમિળને ફરજિયાત વિષય બનાવવો જોઈએઃ આધવ અર્જુન

લોક નિર્માણ અને રમતગમત વિકાસ મંત્રી આધવ અર્જુને કહ્યું હતું કે તામિલનાડુની તમામ શાળાઓમાં તમિળને ફરજિયાત વિષય બનાવવો જોઈએ. તેમાં CBSE બોર્ડ સાથે જોડાયેલી શાળાઓનો પણ સમાવેશ થવો જોઈએ.

તેમણે વધુમાં કહ્યું હતું કે પોતાની માતૃભાષા છોડી દેવી એ પોતાની માતાને છોડી દેવા સમાન છે. તમિળ ભાષા આપણા રાજ્યનો પાયો છે. તમિળ ભાષાને કોઈના દ્વારા બચાવવાની જરૂર નથી. તેની સ્થિતિ એટલી નબળી નથી કે તેને બચાવવાની જરૂર પડે. હકીકતમાં, તમિળ ભાષા જ આપણું રક્ષણ કરે છે અને આ ભાષાએ જ આપણી ઓળખ ઊભી કરી છે.

ભાજપે કરી ટીકા

ભાજપે મંત્રીના આ પગલાને અલગતાવાદી ગણાવ્યું છે. સોશિયલ મિડિયા પ્લેટફોર્મ X પરની એક પોસ્ટમાં ભાજપના વિનોઝ પી. સેલ્વમે કહ્યું હતું કે આ પ્રકારનાં નિવેદનો અલગતાવાદી વિચારધારાને પ્રોત્સાહન આપી શકે છે. તે લોકોને તેમની તમિળ ઓળખ અને ભારતીય ઓળખને એકબીજાની વિરોધી તરીકે જોવાની પ્રેરણા આપે છે. જ્યારે આપણે બંને ઓળખ પર ગર્વ કરવો જોઈએ, તો પછી ભાગલા શા માટે ઊભા કરવા?