UPના બે કોન્સ્ટેબલ, CRPFના જવાનોએ સામૂહિક કર્યો ગેન્ગરેપ

અમરોહાઃ ઉત્તર પ્રદેશના અમરોહા જિલ્લામાં એક ફાર્મ હાઉસમાં હરિયાણાની એક મહિલા સાથે કથિત સામૂહિક દુષ્કર્મના કેસમાં યુપી પોલીસના બે પોલીસ કર્મચારીઓ અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના બે જવાનોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યાનુસાર કથિત ઘટના અમરોહા જિલ્લાના હસનપુર વિસ્તારમાં બની હતી. આ કેસમાં હસનપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક સબ-ઇન્સ્પેક્ટર અને એક હેડ કોન્સ્ટેબલ તેમ જ CRPFના એક સબ-ઇન્સ્પેક્ટર અને એક હેડ કોન્સ્ટેબલની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ (SP) લખન સિંહ યાદવના જણાવ્યાઅનુસાર હરિયાણાના ફતેહાબાદની આશરે ૨૪ વર્ષની મહિલાએ આરોપ લગાવ્યો છે કે ૨૦ સપ્ટેમ્બરે તેની એક મહિલા પરિચિતે તેનો સંપર્ક કર્યો હતો. તેણે અમરોહાના ધાર્મિક સ્થળોની મુલાકાત માટે તેને CRPFના ઇન્સ્પેક્ટર મોહિતને મળવા કહ્યું હતું. મોહિત મુઝફ્ફરનગર જિલ્લાના સૌરંગ ગામનો રહેવાસી છે.

શું છે મામલો?

પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે મહિલાએ ૨૧ સપ્ટેમ્બરે હરિયાણાના સોનીપતમાં મોહિત સાથે મુલાકાત કરી હતી. ત્યાંથી બંને મેરઠ ગયાં હતાં, જ્યાં મોહિતનો સહયોગી CRPF હેડ કોન્સ્ટેબલ લાલારામ યાદવ પણ તેમની સાથે જોડાયો હતો. લાલારામ રાજસ્થાનના અલવરનો રહેવાસી છે. પોલીસના જણાવ્યાનુસાર ૨૨ સપ્ટેમ્બરની સાંજે બંને લોકો મહિલાને કારમાં અમરોહાના હસનપુર લઈ ગયા હતા અને રસ્તામાં સબ-ઇન્સ્પેક્ટર સંજય તોમરને પણ પોતાની સાથે લઈ લીધો હતો. આરોપ છે કે ત્રણેય મહિલાને અતરાસી-હસનપુર માર્ગ પર આવેલા એક ફાર્મહાઉસમાં લઈ ગયા હતા, જ્યાં તેમણે બે રૂમ ભાડે લીધા હતા.

ફરિયાદ મુજબ પોલીસ હેડ કોન્સ્ટેબલ પ્રમોદે જૂથ માટે ભોજન અને દારૂની વ્યવસ્થા કરી હતી. આરોપ છે કે બાદમાં સાંજે મોહિત, લાલારામ અને તોમરે વારાફરતી મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું. ત્યાર બાદ પ્રમોદ રૂમમાં આવ્યો અને દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે મહિલાએ તેને ધક્કો મારીને બહાર કાઢી દીધી હતી. ત્યાર બાદ તેણે દરવાજો બંધ કરીને પોલીસ હેલ્પલાઇન નંબર ઓનલાઈન શોધ્યો હતો.

પોલીસમાં ફરિયાદ નોંધાવી

પોલીસના જણાવ્યાનુસાર મહિલાએ બુધવારે સવારે લગભગ છ વાગ્યે પોલીસનો સંપર્ક કર્યો હતો. હસનપુર અને રજબપુર પોલીસ સ્ટેશનની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યાર બાદ મહિલાને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી અને ચારેય આરોપીઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.

ફાર્મહાઉસ ધારાસભ્યનું હોવાનું કહેવાય છે

હસનપુર કોતવાલીના પ્રભારી અમર પાલ સિંહે જણાવ્યું કે જે ફાર્મહાઉસમાં કથિત ઘટના બની હતી, તે ઉત્તરાખંડના એક અપક્ષ ધારાસભ્યનું હોવાનું કહેવાય છે. પોલીસે ફાર્મહાઉસના મેનેજરની પૂછપરછ કરી છે. હાલ આ કેસની તપાસ ચાલી રહી છે.