અમે પીસ બોન્ડ પર ધરાર હસ્તાક્ષર નહીં કરીએઃ નેહા બોરા

નવી દિલ્હીઃ ઓલ ઇન્ડિયા સ્ટુડન્ટ્સ એસોસિયેશન (AISA)નાં અધ્યક્ષ નેહા બોરાએ કહ્યું છે કે તે શાંતિ જાળવવા માટેનાં પીસ બોન્ડ પર હસ્તાક્ષર કરવાની નથી. દિલ્હી હાઈકોર્ટે નેહા બોરાની એ અરજી ફગાવી દીધી હતી, જેમાં તેણે સ્પેશિયલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ (SEM) કોર્ટની નોટિસને પડકારી હતી. આ નોટિસમાં તપાસ દરમિયાન શાંતિ જાળવવા માટે જામીન સાથે રૂ. 10,000નાં બોન્ડ ભરવાનું કહેવામાં આવ્યું હતું. નેહા બોરાએ સ્પષ્ટ કર્યું હતું કે ન તો તે પોતે અને ન તો તેનું વિદ્યાર્થી સંગઠન દિલ્હી પોલીસ દ્વારા માગવામાં આવેલા ‘પીસ બોન્ડ’ પર હસ્તાક્ષર કરશે.

AISAનાં અધ્યક્ષ નેહા બોરાએ શનિવારે (24 ઓક્ટોબર) પ્રેસ કોન્ફરન્સ કરીને મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેણે કહ્યું છે કે છેલ્લા કેટલાક દિવસોથી દેશમાં શું ચાલી રહ્યું છે તે સૌ જોઈ રહ્યા છે. તેણે જ્ઞાનેશકુમારના રાજીનામાની માગ અને સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પર રોક લગાવવાની માગ સાથે દેશભરમાં થયેલા આંદોલનનો પણ ઉલ્લેખ કર્યો હતો.

તેણે કહ્યું કે અમારી પાસેથી લોકશાહી રીતે અસહમતી વ્યક્ત કરવાનો અધિકાર છીનવવામાં આવી રહ્યો છે. આ જ કારણસર અમે પીસ બોન્ડ પર હસ્તાક્ષર નહીં કરીએ. અમે આ નિર્ણયને સતત પડકારતા રહીશું, કારણ કે પીસ બોન્ડ પર હસ્તાક્ષર કરવાથી એવો સંદેશ જશે કે દેશમાં કોઈ પણ લોકશાહી અને શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનને રોકવા માટે આ પ્રકારનાં બોન્ડનો ઉપયોગ કરી શકાય છે.

લોકશાહીનો અર્થ શું થાય છે?

પ્રેસ કોન્ફરન્સમાં નેહા બોરાએ કહ્યું હતું કે લોકોને રોકવા માટે સરકારે જે પગલાં લીધાં છે, તે સૌએ જોયાં છે. તેણે કહ્યું કે અમને મળેલી નોટિસને પડકારવી જરૂરી લાગી, તેથી અમે હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. તેના જણાવ્યાનુસાર લોકશાહીનાં બે મુખ્ય પાસાં છે. પહેલો છે મતદાનનો અધિકાર અને બીજો છે પોતાના હક અને અધિકારો પર હુમલો થાય ત્યારે તેની સામે અવાજ ઉઠાવવાનો અધિકાર. સરકાર પર નિશાન સાધતાં તેણે કહ્યું હતું કે આજે SIRની પ્રક્રિયા દ્વારા સામાન્ય લોકો પાસેથી મતદાનનો અધિકાર છીનવાઈ રહ્યો હોવાની સ્થિતિ જોવા મળી રહી છે.