89 કરોડ રૂપિયાનું વાલ્મીકિ કૌભાંડ શું છે? કર્ણાટકના મંત્રીએ આપ્યું રાજીનામું

બેંગલુરુઃ કર્ણાટકના સીએમ ડી.કે. શિવકુમારની કેબિનેટમાં સામેલ યોજના અને આંકડાશાસ્ત્ર મંત્રી બી. નાગેન્દ્રએ પદ સંભાળ્યાના માત્ર 25 દિવસમાં જ રાજ્ય મંત્રીમંડળમાંથી રાજીનામું આપી દીધું હતું. તેમના પર ‘કર્ણાટક મહર્ષિ વાલ્મીકિ અનુસૂચિત જનજાતિ વિકાસ નિગમ’માં કથિત રીતે 89 કરોડ રૂપિયાની ગેરરીતિઓનો આરોપ લાગ્યો હતો અને આ મુદ્દે વિપક્ષ સતત સત્તાધારી પક્ષ પર પ્રહારો કરી રહ્યો હતો. તેમણે કથિત નાણાકીય ગેરરીતિઓમાં પોતાની કોઈ ભૂમિકા હોવાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે જરૂર પડશે તો તેઓ વિધાનસભાનું સભ્યપદ પણ છોડી દેવા તૈયાર છે. નાગેન્દ્રએ આ અગાઉ 2024માં પણ આ જ વિવાદ વચ્ચે મંત્રીપદેથી રાજીનામું આપ્યું હતું. ત્યાર બાદ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ તેમની ધરપકડ કરી હતી અને પછી તેમને જામીન મળી ગયા હતા.

કૌભાંડને લઈને રાજકારણ ગરમાયું

સીએમ ડી.કે. શિવકુમારે કહ્યું હતું કે નાગેન્દ્ર પોતાના પર લાગેલા આરોપોથી ખૂબ જ દુખી છે અને પોતાને નિર્દોષ ગણાવી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે મેં મામલાને સમજ્યો છે અને મારા વકીલોએ પણ મને તેની માહિતી આપી છે. તેમનો આ મામલા સાથે કોઈ સંબંધ નથી અને તેમણે કંઈ ખોટું કર્યું નથી. નાગેન્દ્રએ પાર્ટીના હિતમાં બીજી વખત મંત્રીપદનો ત્યાગ કર્યો છે. નાગેન્દ્રના રાજીનામાને વિપક્ષી પાર્ટી ભાજપે વાલ્મીકિ વિકાસ નિગમના કથિત કૌભાંડ સામેના પોતાના આંદોલનની ‘જીત’ ગણાવી હતી. કર્ણાટક વિધાનસભામાં વિપક્ષના નેતા આર. અશોકે કહ્યું હતું કે નાગેન્દ્રનું રાજીનામું શિવકુમારના નેતૃત્વવાળી કોંગ્રેસ સરકારની ‘પ્રથમ વિકેટ’ પડવા સમાન છે. બીજી તરફ, ભાજપના કર્ણાટક એકમના અધ્યક્ષ બી.વાય. વિજયેન્દ્રએ કહ્યું હતું કે નાગેન્દ્ર આ કથિત કૌભાંડમાં માત્ર ‘નાની માછલી’ છે અને તેમાં ‘મોટા ખેલાડીઓ’ પણ સામેલ છે.

શું છે વાલ્મીકિ કૌભાંડ?

વાલ્મીકિ કોર્પોરેશન કૌભાંડ કર્ણાટકમાં થયેલું એક મોટું નાણાકીય કૌભાંડ છે. તેમાં ‘કર્ણાટક મહર્ષિ વાલ્મીકિ અનુસૂચિત જનજાતિ વિકાસ નિગમ’ (KMVSTDC)ના 187 કરોડ રૂપિયાના ફંડમાંથી 89.63 કરોડ રૂપિયા કથિત રીતે ગેરકાયદે રીતે અન્ય સ્થળે ટ્રાન્સફર કરીને હડપવાનો મામલો સામેલ છે. આ ફંડ ખાસ કરીને આદિવાસી અને અનુસૂચિત જનજાતિ (ST) સમુદાયના કલ્યાણ માટે નક્કી કરવામાં આવ્યું હતું. પરંતુ તેના બદલે આ રકમ સેંકડો નકલી કંપનીઓના ખાતાઓ, IT કંપનીઓ અને એક કો-ઓપરેટિવ ક્રેડિટ સોસાયટીમાં ટ્રાન્સફર કરવામાં આવી અને સમગ્ર ફંડને અલગ-અલગ ખાતાઓમાં ફેરવવામાં આવ્યું હતું.