નવી દિલ્હીઃ દેશમાં 15 ઓક્ટોબરથી UPI પેમેન્ટ પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) ચાર્જ લાગુ થવાનો છે. સરકાર તરફથી તેને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. એ દરમિયાન મર્ચન્ટ સંગઠનો, ફિનટેક કંપનીઓ અને પેમેન્ટ એગ્રિગેટર્સે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)ને માગ કરી છે કે UPI મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) લાગુ કરવાની તારીખ 15 ઓક્ટોબરથી વધારીને જાન્યુઆરી 2027 કરવામાં આવે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
હવે આ સમયમર્યાદા પૂરી થવામાં એક સપ્તાહથી પણ ઓછો સમય બાકી છે. જાણકારોને મતે NPCI આગામી બે દિવસમાં આ અંગે મોટો નિર્ણય લે એવી શક્યતા છે. આ મામલે નાણાં મંત્રાલય સાથે પણ ચર્ચા ચાલી રહી છે. આ નવા અપડેટ બાદ એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે તહેવારોની સીઝનમાં લોકોને MDR ચાર્જથી રાહત મળી શકે છે.
તારીખ લંબાવવાની માગ શા માટે થઈ રહી છે?
દશેરા, દિવાળી અને છઠ જેવા મોટા તહેવારો દરમિયાન બજારમાં મોટા પ્રમાણમાં ખરીદી થાય છે. આવા સમયે મર્ચન્ટ ફી લાગુ થવાથી વેપારીઓ પર વધારાના ખર્ચનો બોજ પડશે. સરકારને પણ આશંકા છે કે તહેવારો દરમિયાન વેપારીઓ આ ખર્ચનો બોજ ગ્રાહકો પર નાખી શકે છે. તેનાથી મોંઘવારીના સમયમાં ગ્રાહકોની ખરીદીની ભાવના પર અસર પડી શકે છે. આ ઉપરાંત, નિયમો અને ટ્રાન્ઝેક્શનની કેટેગરીને લઈને પણ મૂંઝવણ છે. કાર્ડ નેટવર્કમાં નિયમો સીધા અને સ્પષ્ટ હોય છે, પરંતુ UPIમાં યુટિલિટી બિલ, લોનની ચુકવણી અને શેરબજાર એટલે કે કેપિટલ માર્કેટના ટ્રાન્ઝેક્શન માટે અલગ-અલગ દર નક્કી કરવામાં આવ્યા છે. આ કારણે મર્ચન્ટ્સ અને પેમેન્ટ કંપનીઓમાં ટેક્નિકલ તૈયારી તેમ જ ટ્રાન્ઝેક્શન કેટેગરીને લઈને અસંમજસની સ્થિતિ છે.

શું છે UPI MDR અને તમારા ખિસ્સા પર કેટલી અસર પડશે?
મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) એ એવી ફી છે, જે દુકાનદાર અથવા વેપારી ડિજિટલ પેમેન્ટ સ્વીકારવાના બદલામાં બેંકને ચૂકવે છે. ગયા મહિને UPI સ્ટિયરિંગ કમિટીએ નક્કી કર્યું હતું કે રૂ. 2000થી વધુના ટ્રાન્ઝેક્શન પર 0.4 ટકા એટલે કે 40 બેસિસ પોઈન્ટ્સનો MDR લાગુ થશે.




