નવી દિલ્હી: મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર સામે ચાલી રહેલા વિરોધ પ્રદર્શનનો ચહેરો શું હવે માત્ર રાહુલ ગાંધી જ બની ગયા છે? CJPએ પણ વિરોધ પ્રદર્શન કરવાની જાહેરાત કરી છે, પરંતુ વિપક્ષી પક્ષોની વાત કરીએ તો રાહુલ ગાંધી જ સૌથી વધુ ચર્ચામાં જોવા મળી રહ્યા છે. આ બાબતને લઈને મહારાષ્ટ્રમાં ઠાકરે જૂથથી લઈને ઉત્તર પ્રદેશમાં અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટી (SP) સુધીના પક્ષો અસહજ છે. આવી સ્થિતિમાં સવાલ ઊભો થાય છે કે શું આ વિરોધ પ્રદર્શન રાહુલ ગાંધીનો વન મેન શો બની ગયો છે અને અન્ય વિપક્ષી નેતાઓ પાછળ રહી ગયા છે? આ મુદ્દે આપ પાર્ટીના નેતા સૌરભ ભારદ્વાજે પણ નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે એવું ન ચાલે કે માત્ર રાહુલ અને પ્રિયંકાની રીલ જ બનાવવામાં આવે.
આ મામલાની શરૂઆત છ ઓક્ટોબરથી થઈ હતી. અખિલેશ યાદવ સહિત અનેક નેતાઓને અટકાયતમાં લેવામાં આવ્યા હતા. ત્યાર બાદ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રાએ આકાશવાણી ભવનમાં જ ધરણાં શરૂ કરી દીધાં હતાં. આ ઘટનાની ખૂબ ચર્ચા થઈ અને મિડિયા કવરેજમાં રાહુલ ગાંધી તથા પ્રિયંકા ગાંધી જ છવાયેલાં રહ્યાં હતાં. આ બાબતને લઈને અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટી સહિત અનેક પક્ષોએ વાંધો ઉઠાવ્યો છે. સહયોગી પક્ષોનું કહેવું છે કે ઇન્ડિયા ગઠબંધનના સંયુક્ત આયોજન તરીકે શરૂ થયેલું આ વિરોધ પ્રદર્શન ભાઈ-બહેન પર કેન્દ્રિત થયું છે.
ઇન્ડિયા ગઠબંધનમાં સામેલ સમાજવાદી પાર્ટી સાથે જોડાયેલા એક સૂત્રએ કહ્યું કે આ સારી બાબત નથી. વિરોધ પ્રદર્શનમાં સંકલનનો ભારે અભાવ રહ્યો છે. સૂત્રના જણાવ્યાનુસાર આ ઇન્ડિયા ગઠબંધનનું સંયુક્ત વિરોધ પ્રદર્શન હતું, ગાંધી પરિવારના સભ્યોનું વ્યક્તિગત આયોજન નહોતું. તેમનો આરોપ છે કે રાહુલ ગાંધી અને પ્રિયંકાએ સમગ્ર કાર્યક્રમનું શ્રેય પોતાને લેવાનો પ્રયાસ કર્યો છે. ડાબેરી પક્ષોનો અભિપ્રાય પણ કંઈક આવો જ હોવાનું કહેવાય છે.

તેમ છતાં સહયોગી પક્ષોની મુખ્ય ફરિયાદ એ છે કે વિરોધ પ્રદર્શનનું યોગ્ય સંકલન કરવામાં આવ્યું નહોતું. 6 ઓક્ટોબરના વિરોધ પ્રદર્શનમાં કુલ 23 રાજકીય પક્ષો સામેલ થયા હતા, પરંતુ ત્યાર બાદ તેમની સંખ્યા ઘટતી ગઈ. આમ, જ્ઞાનેશ કુમાર સામેના વિરોધ પ્રદર્શનને લઈને ઇન્ડિયા ગઠબંધનમાં નેતૃત્વ, સંકલન અને મિડિયા કવરેજના મુદ્દે મતભેદો સામે આવી રહ્યા છે.




