દેશભરમાં 11 સપ્ટેમ્બરે બેંક હડતાળનું એલાન

નવી દિલ્હીઃ સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં બેંક ગ્રાહકોને મુશ્કેલીનો સામનો કરવો પડે એવી શક્યતા છે. યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ (UFBU)એ પાંચ દિવસના બેંકિંગ વીક, સરકારની સુધારેલી પર્ફોર્મન્સ લિન્ક્ડ ઇન્સેન્ટિવ (PLI) સ્કીમ અને અન્ય પડતર માગોને લઈને તબક્કાવાર હડતાળનું એલાન કર્યું છે.

અહેવાલ મુજબ UFBUના આહવાન પર 11 સપ્ટેમ્બરે એક દિવસની હડતાળ રહેશે, જ્યારે 28થી 30 સપ્ટેમ્બર સુધી સતત ત્રણ દિવસ બેંક કર્મચારીઓ કામકાજ બંધ રાખશે. યુનિયને ચેતવણી આપી છે કે જો તેમની માગોનો ઉકેલ નહીં આવે તો 26 ઓક્ટોબર 2026થી દેશભરમાં અનિશ્ચિતકાલીન હડતાળ શરૂ કરવામાં આવશે. યુનિયનની રજૂઆત અનુસાર, UFBUમાં સાત યુનિયનો—AIBEA, AIBOC, NCBE, AIBOA, BEFI, INBOC અને INBEF—સામેલ છે. આ ફોરમ જાહેર ક્ષેત્રની બેંકો, ખાનગી બેંકો, વિદેશી બેંકો, પ્રાદેશિક ગ્રામીણ બેંકો અને સહકારી બેંકોના કર્મચારીઓનું પ્રતિનિધિત્વ કરે છે.

યુનિયનોની ચાર મુખ્ય માગ

સત્તાવાર નિવેદન મુજબ યુનિયનોએ ચાર મુખ્ય માગો ઉઠાવી છે. તેમાં પાંચ દિવસનું બેંકિંગ વીક લાગુ કરવું, સરકારની પર્ફોર્મન્સ લિન્ક્ડ ઇન્સેન્ટિવ સ્કીમને પરત ખેંચવી, બંને પક્ષો વચ્ચે ચર્ચા કરીને ઇન્સેન્ટિવ સ્કીમમાં ફેરફાર કરવો અને અન્ય પડતર મુદ્દાઓનો ઉકેલ લાવવો સામેલ છે.

પાંચ દિવસના બેંકિંગ વીકની માગ વર્ષોથી પડતર

પાંચ દિવસના બેંકિંગ વીકની માગ ઘણાં વર્ષોથી પડતર છે. યુનિયનોના જણાવ્યા મુજબ વર્ષ 2015માં બેંકિંગ ક્ષેત્ર પાંચ દિવસના વર્કિંગ વીક તરફ આગળ વધવા માટે સૈદ્ધાંતિક રીતે સંમત થયું હતું. ત્યાર બાદ બીજા અને ચોથા શનિવારે રજા જાહેર કરવામાં આવી હતી.આ મુદ્દે વર્ષ 2020માં ફરી વિચારણા કરવામાં આવી હતી. ત્યારબાદ 8 માર્ચ, 2024એ થયેલા વેજ સેટલમેન્ટ દ્વારા તેને ઔપચારિક સ્વરૂપ આપવામાં આવ્યું હતું. આ વ્યવસ્થા હેઠળ બેંક કર્મચારીઓ તમામ શનિવારે રજા આપવાના બદલામાં સોમવારથી શુક્રવાર સુધી દરરોજ વધારાના 40 મિનિટ કામ કરવા માટે સંમત થયા હતા. યુનિયનોએ જણાવ્યું કે આ કરારની ભલામણ બે વર્ષથી પણ વધુ સમય પહેલાં નાણા મંત્રાલયને મોકલવામાં આવી હતી, પરંતુ હજુ સુધી સરકારની મંજૂરીની રાહ જોવાઈ રહી છે. યુનિયનોનું કહેવું છે કે RBI, LIC, GIC અને NABARD જેવી સંસ્થાઓ ઉપરાંત અન્ય સરકારી અને ખાનગી સંસ્થાઓમાં પહેલેથી જ પાંચ દિવસનું વર્કિંગ વીક અમલમાં છે.