નાટો ચીફે બ્રાઝિલ, ચીન અને ભારતને આપી ચેતવણી

નવી દિલ્હીઃ નાટોના મહાસચિવ માર્ક રુટે બ્રાઝિલ, ચીન અને ભારતને કડક ચેતવણી આપી છે. રુટે જણાવ્યું હતું કે જો આ દેશો રશિયા સાથે વેપાર ચાલુ રાખશે, તો તેમને ગંભીર આર્થિક પ્રતિબંધોનો સામનો કરવો પડશે.  માર્ક રુટે આ ટિપ્પણી અમેરિકન કોંગ્રેસમાં સેનેટરો સાથેની બેઠક બાદ પત્રકારો સાથેની વાતચીતમાં કરી હતી.

માર્ક રુટે દિલ્હી, બીજિંગ અને બ્રાઝિલના નેતાઓને અપીલ કરી કે તેઓ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિન પર દબાણ લાવે કે તેઓ શાંતિ વાતચીતને ગંભીરતાથી લે.

તેમણે કહ્યું હતું  કે જો તમે ચીનના રાષ્ટ્રપતિ છો, ભારતના વડા પ્રધાન છો કે બ્રાઝિલના રાષ્ટ્રપતિ છો અને તમે રશિયા સાથે વેપાર ચાલુ રાખો છો, તેમના ઓઇલ અને ગેસ ખરીદો છો, તો તમારે ખબર હોવી જોઈએ – જો મોસ્કોમાં બેઠેલો માણસ શાંતિ વાતચીતને ગંભીરતાથી નથી લેતો, તો હું 100 ટકા સેકન્ડરી સેક્શન (આર્થિક પ્રતિબંધો) લગાવી દઈશ.

માર્ક રુટેએ કહ્યું હતું કે આ ત્રણેય દેશોએ આ બાબત પર ગંભીરતાથી વિચાર કરવો જોઈએ, કારણ કે તેની મોટો અસર પડશે. તેમણે ઉમેર્યું હતું કે મહેરબાની કરીને પુટિને ફોન કરો અને તેમને કહો કે શાંતિ વાતચીત માટે તેઓ ગંભીર બને, નહીં તો તેનો મોટો પ્રભાવ બ્રાઝિલ, ભારત અને ચીન પર પડશે.

રુટે કહ્યું હતું કે યુરોપ યુક્રેનને શાંતિ મંત્રણામાં મજબૂત સ્થિતિમાં લાવવા માટે ફન્ડિંગ કરશે. ટ્રમ્પ સાથે સમજૂતી હેઠળ અમેરિકા હવે યુક્રેનને મોટા પાયે હથિયાર આપશે, જેમાં એર ડિફેન્સ, મિસાઈલ અને ગોલા-બારુદ સામેલ છે, જેનો ખર્ચ યુરોપ ભોગવશે.