શક્તિની આરાધનાના દિવસો નવરાત્રિનું પર્વ દરેક ગામ, પ્રાંત અને વિસ્તારમાં અલગ અલગ રીતે ઉજવાઇ રહ્યું છે. નવ દુર્ગાના સ્વરૂપને ભક્તો પોતાની શ્રધ્ધા પ્રમાણે અનુષ્ઠાન કરી ઉત્સવની ઉજવણી અને ભક્તિ કરી રહ્યા છે.

અમદાવાદની જ વાત કરીએ તો પૂર્વ અને પશ્વિમ વિસ્તારની સોસાયટીઓમાં દરેક પ્રાંતના લોકો જ્યાં વસે છે. સૌ ભેગા મળી માતાજીના ચોકમાં કંઇક નવું કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

અમદાવાદ શહેરના વંદેમાતરમ રોડ પર આવેલી આઇ.સી.બી. પાર્ક સોસાયટીમાં રહેતા સોનલ આચાર્ય ચિત્રલેખા.કોમને કહ્યું કે “અમે આ વખતે અનોખી રીતે ગરબાની ઉજવણી કરી. સોસાયટીની બહેનોએ હાથમાં નવરાત્રિના ઉત્સવ માટે મહેંદી મુકી. આ મહેંદીમાં પોતાના ગામનું નામ લખ્યું એની સાથે કુળદેવીનું નામ પણ લખ્યું. આપણે પોતાના ધંધા રોજગાર કે વ્યવસાય હેતુ દુનિયામાં ગમે ત્યાં રહેતા હોઇએ. પરંતુ ધાર્મિક ઉત્સવ દરમિયાન પોતાના ગામ, દેવી દેવતા અને સંસ્કૃતિ યાદ રહે એ માટે અમે આ કાર્યક્રમનું આયોજન કર્યુ. ફિલ્મી ગીતો વગર નવરાત્રિના ગરબા સાથે આ પ્રસંગ ઉજવ્યો જેમાં નાની બાળકીઓ સહિત તમામ ઉંમરની 150 જેટલી બહેનોએ ભાગ લીધો.”
સોસાયટીની બહેનોએ પોતાના કુળદેવી અને ગામનું ના મહેંદીમાં લખ્યું અને શક્તિને યાદ કરી નવરાત્રિમાં ભક્તિ કરી. નવરાત્રિ મહોત્સવનો આ પ્રસંગ એકદમ અનોખો હતો.
(પ્રજ્ઞેશ વ્યાસ)




