અમેરિકામાં શ્રી સ્વામિનારાયણ સનાતન મંદિરમાં નવરાત્રીની ભવ્ય ઉજવણી

ગુજરાત હોય કે વિદેશ, ગુજરાતી હોય એટલે નવરાત્રીની ઉજવણી થવાની જ. શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ (એસજીવીપી), અમદાવાદના અધ્યક્ષ પૂજ્ય સ્વામી શ્રી માધવપ્રિયદાસજીની પ્રેરણાથી અમેરિકામાં આવેલા શ્રી સ્વામિનારાયણ સનાતન મંદિરમાં નવરાત્રીની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. આ મહોત્સવમાં માતાજીની આરાધના સાથે ખેલૈયાઓએ ગરબાની ધૂમ મચાવી હતી.

સનાતન મંદિરના મધ્યભાગમાં મા દુર્ગાની ભવ્ય પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. આ સાથે જ માતાજીના સાનિધ્યમાં ગરબો અને જવારા અર્પણ કરી વિધિવત્ પૂજન-અર્ચન કરવામાં આવે છે. સમગ્ર મંદિર પરિસરમાં ભક્તિમય વાતાવરણ વચ્ચે માતાજીની આરાધના સાથે નવરાત્રીના પાવન પર્વની પરંપરાગત રીતે ઉજવણી થઈ રહી છે.

નવરાત્રી દરમિયાન દૂર-સુદૂરથી મોટી સંખ્યામાં ભક્તજનો માતાજીનાં દર્શન અને પૂજન માટે મંદિરે પધારે છે. ભક્તોને સુવિધા મળી રહે તે માટે દરરોજ મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત મોડી રાત સુધી ગરબે રમતા ખેલૈયા અને ભક્તજનો માટે અલ્પાહારની વ્યવસ્થા પણ હોય છે.

અમેરિકાની ધરતી પર નવરાત્રી પર્વની આ ભવ્ય ઉજવણી ભારતીય સંસ્કૃતિ, સનાતન ધર્મ અને ગુજરાતી ગરબાની પરંપરાને જીવંત રાખવાની સાથે નવી પેઢીને પણ પોતાના ધાર્મિક અને સાંસ્કૃતિક વારસા સાથે જોડવાનું પ્રેરણાદાયી કાર્ય કરી રહી છે.