રાજ્યના 9 પ્રખ્યાત માતાજીનાં મંદિરોમાં ‘નવરાત્રિ શક્તિપર્વ 2026’ની ઉજવણી

ગાંધીનગર: ગુજરાતમાં ‘નવરાત્રિ શક્તિપર્વ–2026’ ની ભવ્ય ઉજવણી માટે રાજ્ય સરકારે વિશેષ આયોજન કર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નિર્ણય હેઠળ રાજ્યના 9 પ્રખ્યાત દેવસ્થાનો અને શક્તિપીઠો ખાતે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. આ વિશેષ ઉજવણી માટે સરકારે ₹2.90 કરોડના ખર્ચને મંજૂરી આપી છે.

આ આયોજન હેઠળ 11 ઓક્ટોબરથી 19 ઓક્ટોબર દરમિયાન રાજ્યના મુખ્ય 9 દેવસ્થાનો પર વિવિધ તારીખે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે, જેમાં ગુજરાતના પ્રસિદ્ધ લોકકલાકારો માતાજીની આરાધના અને ગરબાની રમઝટ બોલાવશે:

  • 11 ઓક્ટોબર: શ્રી અંબાજી શક્તિપીઠ, બનાસકાંઠા

  • 12 ઓક્ટોબર: શ્રી બહુચરાજી શક્તિપીઠ, મહેસાણા

  • 13 ઓક્ટોબર: શ્રી ઉમિયા માતા મંદિર, ઊંઝા

  • 14 ઓક્ટોબર: શ્રી આશાપુરા માતાજીનું મંદિર, મઢ-કચ્છ

  • 15 ઓક્ટોબર: શ્રી ચામુંડા માતા મંદિર, ચોટીલા

  • 16 ઓક્ટોબર: શ્રી મહાકાળી મંદિર, પાવાગઢ

  • 17 ઓક્ટોબર: શ્રી ભદ્રકાળી મંદિર, અમદાવાદ

  • 18 ઓક્ટોબર: શ્રી હરસિદ્ધિ માતા મંદિર, દેવભૂમિ દ્વારકા

  • 19 ઓક્ટોબર: શ્રી મોઢેશ્વરી માતા મંદિર, મોઢેરા

    12 ઓક્ટોબરે બહુચરાજી ખાતે પ્રસિદ્ધ ગાયક અરવિંદ વેગડાના ગરબા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે 19 ઓક્ટોબરે મોઢેરા સ્થિત શ્રી મોઢેશ્વરી માતા મંદિરે ગાયિકા હિમાલી વ્યાસ નાયકની ઉપસ્થિતિમાં ગરબાનું આયોજન થશે.

    આ ઉપરાંત અન્ય સાત દેવસ્થાનો ખાતે પણ જાણીતા ગાયક કલાકારો દ્વારા ગરબા અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવશે. આ કાર્યક્રમોમાં શ્રદ્ધાળુઓ અને ખેલૈયાઓ માતાજીની આરાધના સાથે ગુજરાતી લોકસંગીત અને ગરબાની પરંપરાનો આનંદ માણી શકશે.

માઈભક્તો શ્રદ્ધા, શક્તિ અને સંસ્કૃતિના આ સંગમમાં ભક્તિમય વાતાવરણ વચ્ચે ગરબાનો આનંદ માણી શકે તે માટે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.