NCLTએ વેણુગોપાલ ધૂતને નાદાર જાહેર કર્યા

મુંબઈઃ નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT)એ પાંચ નવેમ્બરે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI)ની અરજી પર વિડિયોકોનના ભૂતપૂર્વ પ્રમોટર વેણુગોપાલ ધૂતને નાદાર જાહેર કર્યા છે. આ નિર્ણય રૂ. 12,668 કરોડના બાકી દેવાં અને દેવું ચૂકવવા માટે કરવામાં આવેલી રૂ. 600 કરોડની ઓફરને લેણદારોની મંજૂરી ન મળ્યા બાદ આવ્યો છે. ધૂતે આ રકમ 36 મહિનામાં સિલિગુડીમાં પ્રસ્તાવિત ડેવલપમેન્ટ પ્રોજેક્ટ મારફતે એકત્ર કરવાની વાત કરી હતી. જોકે આ યોજના ભવિષ્યમાં મળનારી મંજૂરીઓ અને પ્રોજેક્ટમાંથી થનારી કમાણી પર આધારિત હતી. તેમાં તાત્કાલિક ચુકવણીની કોઈ જોગવાઈ નહોતી.

કંપનીના શેરનો ઐતિહાસિક સર્વોચ્ચ ભાવ આશરે રૂ. 868.65 હતો, જે પહેલી જાન્યુઆરી, 2008એ નોંધાયો હતો. તે સમયે કંપનીના આશરે 22.95 કરોડ શેર હતા. શેરની સંખ્યા અને સર્વોચ્ચ ભાવને આધારે કંપનીનું માર્કેટ કેપિટલાઇઝેશન આશરે રૂ. 20,000 કરોડ થતું હતું. વેણુગોપાલ ધૂત વિડિયોકોન ઇન્ડસ્ટ્રીઝના પ્રમોટર હતા. જોકે કંપનીની કેટલીક લોન માટે ધૂતે વ્યક્તિગત ગેરંટી પણ આપી હતી. તેમણે લોન આપનારી બેંકોને ખાતરી આપી હતી કે જો કંપની લોન ચૂકવવામાં નિષ્ફળ જશે તો બેંક તેમની પાસેથી પણ નાણાંની વસૂલાત કરી શકશે. આ જ કારણ છે કે કંપનીનાં દેવાંનો મામલો આગળ જતાં ધૂતની વ્યક્તિગત નાદાર પ્રક્રિયા સુધી પહોંચ્યો હતો.

6 જૂન, 2018એ વિડિયોકોન ઇન્ડસ્ટ્રીઝ સામે નાદાર પ્રક્રિયા શરૂ

કંપનીને 6 જૂન, 2018એ SBIની અરજીના આધારે કોર્પોરેટ ઇનસોલ્વન્સી રિઝોલ્યુશન પ્રોસેસ (CIRP)માં મોકલવામાં આવી હતી.

8 એપ્રિલ, 2026એ ધૂત સામે વ્યક્તિગત નાદાર પ્રક્રિયા શરૂ

8 એપ્રિલ, 2026એ NCLTએ વેણુગોપાલ ધૂત સામે વ્યક્તિગત નાદાર સમાધાન પ્રક્રિયા શરૂ કરવાનો આદેશ આપ્યો હતો. આ પ્રક્રિયા હેઠળ ધૂતને પોતાની નાણાકીય સ્થિતિ અને દેવું ચૂકવવા માટેનો પ્રસ્તાવ રજૂ કરવાની તક આપવામાં આવી હતી. વ્યક્તિગત દેવાળિયા પ્રક્રિયાનો અર્થ એ છે કે કોઈ વ્યક્તિની પોતાની સંપત્તિ અને જવાબદારીઓ અંગે કાનૂની રીતે સમાધાન શોધવામાં આવે છે. આ તબક્કે ધૂતે લેણદારોને 36 મહિનામાં રૂ. 600 કરોડ ચૂકવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ રકમની વ્યવસ્થા સિલિગુડીમાં પ્રસ્તાવિત ડેવલપમેન્ટ પ્રોજેક્ટ મારફતે કરવાની હતી. એટલે કે આ નાણાં તાત્કાલિક ઉપલબ્ધ નહોતાં. પહેલાં પ્રોજેક્ટનો વિકાસ થવાનો હતો, જરૂરી મંજૂરીઓ મેળવવાની હતી અને ત્યાર બાદ તેમાંથી આવક થવાની અપેક્ષા હતી.