PM મોદીનાં માતા અંગે ટિપ્પણીથી NDAનું બિહાર બંધનું એલાન

પટનાઃ ભાજપ અને NDAના સહયોગી પક્ષોએ ગયા સપ્તાહે બિહારમાં રાહુલ ગાંધીની ‘મતદાર અધિકાર યાત્રા’ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સ્વર્ગસ્થ માતા વિરુદ્ધ કરાયેલી અશ્લીલ ટિપ્પણીઓના વિરોધમાં ચોથી સપ્ટેમ્બરે ‘બિહાર બંધ’નું આહવાન કર્યું છે. બિહાર ભાજપના અધ્યક્ષ દલીપ જયસવાલના જણાવ્યા મુજબ NDA મહિલા મોર્ચા દ્વારા આ બંધ સવારે સાત વાગ્યેથી શરૂ થઈ બપોરે 12 વાગ્યા સુધી ચાલશે.

તેમણે જણાવ્યું હતું કે બંધનો સમય સામાન્ય જનજીવનને અસર ન કરે તે માટે નક્કી કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું હતું કે બંધના સમયગાળા દરમિયાન તાત્કાલિક સેવાઓ ચાલુ રહેશે. દલીપ જયસવાલે જણાવ્યું હતું કે બિહારમાં પહેલી વાર થનારા આ બંધ આયોજનની સફળતાની જવાબદારી મહિલા મોર્ચા ઉઠાવશે. બપોરે 12 વાગ્યા પછી તમામ સુવિધાઓ સામાન્ય રીતે ચાલુ રહેશે.

આ વિવાદ ગયા અઠવાડિયે દરભંગામાં મતદાર અધિકાર યાત્રા દરમિયાન વડા પ્રધાન મોદીની સ્વર્ગસ્થ માતા અંગે કરાયેલી અશ્લીલ ટિપ્પણી પછી શરૂ થયો છે. ત્યાર બાદ ભાજપેએ પટનાના એક પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી અને રાહુલ ગાંધી પાસે માફી માગવાની માગ કરી છે.

દરભંગામાં થયેલી આ ઘટનાનો એક વિડિયો વાયરલ થયો છે, જેમાં કોંગ્રેસ કાર્યકર મંચ પરથી અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો હતો  મંચ પર પ્રિયંકા ગાંધી, રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવના ફોટા હતા. પરંતુ ઘટના સમયે રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવ મંચ પર હાજર નહોતા, કારણ કે બંને બાઈક પરેડ માટે મુઝફ્ફરનગર જઈ રહ્યા હતા.