NDAના ઉમેદવાર સીપી રાધાકૃષ્ણને ભર્યું નામાંકન, PM બન્યા પ્રસ્તાવક

નવી દિલ્હી: ઉપ રાષ્ટ્રપતિ ચૂંટણી માટે NDAના ઉમેદવાર સીપી રાધાકૃષ્ણને બુધવારે પોતાનું નામાકન પત્ર દાખલ કર્યું હતું. તેમના પ્રસ્તાવકોમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ હતા. આ પ્રસંગે ગૃહ મંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, ભાજપીધ્યક્ષ જે.પી. નડ્ડા અને NDAના કેટલાક સાથી પક્ષોના નેતાઓ હાજર રહ્યા હતા. જગદીપ ધનખડના રાજીનામા બાદ દેશમાં ફરી એક વાર ઉપ રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાઈ રહી છે. આ ચૂંટણી માત્ર સંસદના ઉપરના ગૃહ એટલે કે રાજ્યસભાના રાજકારણ માટે જ નહીં, પરંતુ તેનાં પરિણામો આવતા વર્ષોમાં સંસદીય કાર્યપ્રવાણીને પણ અસર કરશે. ભારતના ઉપ રાષ્ટ્રપતિની ચૂંટણી બંધારણના કલમ 66 હેઠળ થાય છે. ઇલેક્ટોરલ કોલેજ એટલે કે ફક્ત લોકસભા અને રાજ્યસભાના ચૂંટાયેલા તથા નિયુક્ત સભ્યો જ મતદાન કરે છે. ચૂંટણી પ્રક્રિયા ગુપ્ત મતદાન  દ્વારા થાય છે.

આ ચૂંટણીમાં જીતવા માટે ઉમેદવારને કુલ માન્ય મતોના 50 ટકાથી વધુ મેળવવા જરૂરી હોય છે. ઉપ રાષ્ટ્રપતિનો કાર્યકાળ પાંચ વર્ષનો હોય છે અને આ દેશનું બીજું સર્વોચ્ચ બંધારણીય પદ છે.આ ચૂંટણીમાં NDA તરફથી સીપી રાધાકૃષ્ણનને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. જ્યારે વિપક્ષની તરફથી બી. સુદર્શન રેડ્ડીને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.

પ્રસ્તાવક તરીકે PM મોદીની સહી

રાધાકૃષ્ણન તરફથી કુલ ચાર સેટ નામાકન ફાઈલ કરાયા. દરેક સેટ પર 20 પ્રસ્તાવક અને 20 અનુમોદક સાંસદોની સહી થઈ. એક સેટમાં પ્રથમ પ્રસ્તાવક તરીકે વડા પ્રધાનની સહી થઈ. એ જ રીતે અન્ય ત્રણ સેટ પણ ફાઈલ થયા, જેમાં કેન્દ્રીય મંત્રીઓ અને NDA સાંસદોની સહી હતી.

ઉપ રાષ્ટ્રપતિ ચૂંટણી

  • મતદાનની તારીખ– 09 સપ્ટેમ્બર, 2025 (મંગળવાર)
  • મતદાનનો સમય – સવારે 10:00થી સાંજે 05:00 વાગ્યા સુધી
  • મતગણતરીની તારીખ – 09 સપ્ટેમ્બર, 2025 (મંગળવાર)