અમદાવાદઃ નેક પેકેજિંગ લિમિટેડ તેના પ્રત્યેક રૂ. 10ની ફેસ વેલ્યુ ધરાવતા ઇક્વિટી શેર્સનો IPO બુધવાર પહેલી જુલાઈએ ખુલ્લો મૂકવાની દરખાસ્ત કરે છે. બિડ/ઓફર બંધ થવાની તારીખ ત્રીજી જુલાઈએ છે. જોકે એન્કર ઇન્વેસ્ટર બિડિંગ તારીખ બિડ/ઓફર ખૂલવાની તારીખના કામકાજના એક દિવસ પહેલાં એટલે કે મંગળવાર, 30 જૂન રહેશે. આ ઓફર માટેની પ્રાઇસ બેન્ડ પ્રત્યેક રૂ. 10ની ફેસ વેલ્યુના ઇક્વિટી શેર માટે રૂ. 161 પ્રતિ ઇક્વિટી શેરથી રૂ. 170 પ્રતિ ઇક્વિટી શેર નક્કી કરવામાં આવ્યો છે. એમ્પ્લોયી રિઝર્વેશન પોર્શનમાં અરજી કરી રહેલા લાયક કર્મચારીઓને પ્રતિ રૂ. 10ની ફેસ વેલ્યુના ઇક્વિટી શેરદીઠ રૂ. 16નું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. રૂ. 10 ફેસ વેલ્યુ ધરાવતા ઓછામાં ઓછા 88 ઇક્વિટી શેર માટે અને ત્યાર બાદ તેના 88 શેરના ગુણાંકમાં બિડ કરી શકાશે.
આ ઓફરમાં રૂ. 3,800.00 મિલિયન સુધીના મૂલ્યના ઇક્વિટી શેરના ફ્રેશ ઇશ્યુ ઉપરાંત વેચાણકર્તા શેરધારકો દ્વારા 35,00,000 સુધીના ઇક્વિટી શેર્સની વેચાણ માટેની ઓફર (OFS)નો સમાવેશ થાય છે, જેમાં અલ્પેશ તુલસીભાઈ પટેલ દ્વારા 6,75,750 સુધીના ઇક્વિટી શેર, પ્રવીણકુમાર અંબાલાલ પટેલ દ્વારા 3,00,000 સુધીના ઇક્વિટી શેર અને રશ્મિનભાઈ તુલસીભાઈ પટેલ દ્વારા 6,75,750 સુધીના ઇક્વિટી શેર (Promoter Selling Shareholders) સમાવિષ્ટ છે. આ ઉપરાંત પ્રમોટર ગ્રુપ સેલિંગ શેરહોલ્ડર્સ દ્વારા સામૂહિક રીતે 15,61,000 સુધીના ઇક્વિટી શેર અને અન્ય એક વેચાણકર્તા શેરધારક દ્વારા 2,87,500 સુધીના ઇક્વિટી શેર ઓફર કરવામાં આવશે. કંપની એક અગ્રણી, ઇન્ટિગ્રેટેડ, નવીનતા આધારિત, નિકાસ કેન્દ્રિત અને ટકાઉ પેકેજિંગ સોલ્યુશન્સ પૂરા પાડતી કંપનીઓમાંની એક છે. કંપની વિવિધ પ્રકારનાં પેકેજિંગ સોલ્યુશન્સ પૂરાં પાડે છે, જેમાં પ્રિન્ટેડ અને લેમિનેટેડ વૂવન પોલિપ્રોપિલિન (“PLWPP”) બેગ્સ અને PLWPP પિંચ બોટમ બેગ્સનો સમાવેશ થાય છે. આ બેગ્સ કસ્ટમાઇઝ્ડ છે અને ફૂડ પ્રોડક્ટ્સ તથા પેટ ફૂડ્સ સહિત વિવિધ ક્ષેત્રો માટે મજબૂત પેકેજિંગ સોલ્યુશન્સ માટે ઉપયોગી છે (ટેક્નોપેકના રિપોર્ટ મુજબ).

2013માં સ્થપાયેલી આ કંપની બલ્ક ફ્લેક્સિબલ પેકેજિંગ સોલ્યુશન્સનું ઉત્પાદન કરે છે. માર્ચ, 2026 સુધી કંપનીની ગુજરાત સ્થિત તેના પ્લાન્ટ્સમાં વૂવન પોલીપ્રોપિલિન (“WPP”) બેગ્સ, PLWPP બેગ્સ, PLWPP પિંચ બોટમ બેગ્સ અને અન્ય પ્રોડક્ટ્સની સ્થાપિત ઉત્પાદન ક્ષમતા દર વર્ષે 43,300 મેટ્રિક ટન હતી. કંપની B2B2C મોડેલ હેઠળ અનેક અગ્રણી બ્રાન્ડ્સને સેવા પૂરી પાડે છે. કંપનીની કામગીરીમાંથી આવક નાણાકીય વર્ષ 2024માં રૂ. 6545.59 મિલિયનથી વધીને નાણાકીય વર્ષ 2026માં રૂ. 8234.34 મિલિયન થઈ હતી, જે 12.16 ટકાના CAGR દરે વૃદ્ધિ દર્શાવે છે. એબિટા માર્જિન નાણાકીય વર્ષ 2024માં 15.38 ટકાથી વધીને નાણાકીય વર્ષ 2026માં 20.42 ટકા થયું હતું. કંપનીનો ચોખ્ખો નફો નાણાકીય વર્ષ 2024માં રૂ. 459.77 મિલિયનથી વધીને નાણાકીય વર્ષ 2026માં રૂ. 927.24 મિલિયન થયો હતો, જે 42.01 ટકાના CAGR દરે વૃદ્ધિ દર્શાવે છે. આ જ સમયગાળા દરમિયાન વેચાણની કુલ માત્રા 30,590.10 મેટ્રિક ટનથી વધીને 38,157.49 મેટ્રિક ટન થઈ હતી, જે 11.69 ટકાના CAGR દરે વધી હતી. કંપનીના ઇક્વિટી શેરોને BSE અને NSE પર લિસ્ટ કરવાની દરખાસ્ત છે.




