મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET-UG 2026 વિવાદોના વમળમાં ફસાઈ છે. રાજસ્થાન પોલીસના સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રૂપ (SOG)ની તપાસમાં અત્યંત ચોંકાવનારી વિગતો બહાર આવી છે, જેમાં હવે ‘ગુજરાત કનેક્શન’ની પણ પ્રબળ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પેપર લીક માફિયાઓએ આ આખું ષડયંત્ર એટલી સિફતપૂર્વક રચ્યું હતું કે વિદ્યાર્થીઓને પણ ખ્યાલ ન આવે કે તેઓ અસલી પ્રશ્નપત્ર ખરીદી રહ્યા છે. લીક થયેલા પ્રશ્નોને 400 પ્રશ્નો ધરાવતા એક ‘ગેસ પેપર’માં છુપાવવામાં આવ્યા હતા.

આ પેપર દેશભરના વિદ્યાર્થીઓને 10 લાખથી 25 લાખ રૂપિયાની અધધ રકમમાં વેચવામાં આવ્યું હતું. આશ્ચર્યની વાત એ છે કે, આ ગેસ પેપરમાં NEET પરીક્ષાના બાયોલોજીના તમામ 90 અને કેમિસ્ટ્રીના 45 પ્રશ્નો બેઠેબેઠા સામેલ હતા. વિદ્યાર્થીઓને એવી લાલચ આપવામાં આવી હતી કે જો તૈયારી ઓછી હોય તો પણ આ પ્રશ્નો ગોખી લેવાથી પરીક્ષા સરળતાથી પાસ કરી શકાશે. કેસની ગંભીરતા જોતા કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયના આદેશથી હવે CBI એ મેદાનમાં ઉતરી છે. સીબીઆઈએ ગુનાઈત ષડયંત્ર, છેતરપિંડી અને પુરાવા નષ્ટ કરવા જેવી કલમો ઉપરાંત નવા અમલી બનેલા ‘પબ્લિક એક્ઝામિનેશન એક્ટ 2024’ હેઠળ પણ ગુનો નોંધી તપાસ તેજ કરી છે. તપાસ એજન્સીઓએ સિકરના પેપર સોલ્વર રાકેશ માંડવરિયાની પૂછપરછ કરી છે, જેણે પોતાના ક્લાયન્ટ્સને આપેલા પેપરમાંથી 120 પ્રશ્નો પૂછાયા હોવાનો દાવો કર્યો હતો.
આ કેસમાં મહારાષ્ટ્રના નાશિકમાંથી 27 વર્ષીય શુભમ ખૈરનારની ધરપકડ કરવામાં આવી છે, જે ભરૂચ કે ગુજરાતના અન્ય ભાગોમાં સંપર્ક ધરાવતો હોવાની આશંકા છે. તે મધ્યપ્રદેશમાં BAMS નો વિદ્યાર્થી છે અને કાઉન્સેલર તરીકે કામ કરતો હતો. જયપુર, સિકર અને ગુડગાંવથી શરૂ થયેલું આ નેટવર્ક હવે ગુજરાત સુધી પહોંચ્યું છે કે કેમ તે દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે, કારણ કે ગુજરાતમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપે છે.




