નવી દિલ્હી: નીટ NEET-UG 2026 પેપર લીક કેસમાં CBIએ 94 પાનાંની ચાર્જશીટ દાખલ કરી છે. તેમાં દાવો કરવામાં આવ્યો છે કે NTAના ત્રણ વિષય નિષ્ણાતોએ જ NEET-UG 2026નું પ્રશ્નપત્ર લીક કર્યું હતું. આરોપીઓમાં પી.વી. કુલકર્ણી, મનીષા મંધારે અને મનીષા હવાલદારનાં નામ સામેલ છે.
CBIના આરોપ મુજબ આ એક્સપર્ટ્સે પ્રશ્નપત્રના મોડરેશન દરમિયાન કાગળની નાની ચિઠ્ઠીઓ પર પ્રશ્નો લખ્યા હતા અને NCERTના સંબંધિત પેરાગ્રાફને નિશાન લગાવ્યા હતા. એ ઉપરાંત તેમણે બાકીના પ્રશ્નો યાદ રાખ્યા અને બાદમાં હોટેલના રૂમમાં ફરીથી સમગ્ર પ્રશ્નપત્ર તૈયાર કર્યું હતું. CBIનું કહેવું છે કે આ રીત એટલા માટે અપનાવવામાં આવી હતી જેથી મૂળ પ્રશ્નપત્ર સાથે કોઈ સીધો પુરાવો જોડાઈ ન શકે. તપાસ એજન્સીનો આરોપ છે કે ફરીથી તૈયાર કરાયેલું પ્રશ્નપત્ર પરીક્ષા પહેલાં જ દલાલો મારફતે આગળ પહોંચાડવામાં આવ્યું હતું.

ત્રણ દિવસમાં 135 પ્રશ્નો તૈયાર કર્યા
ચાર્જશીટમાં જણાવાયું છે કે NTAના કોન્ફિડેન્શિયલ વિભાગમાં પ્રવેશ અને બહાર નીકળતી વખતે એક્સપર્ટ્સની તપાસ અથવા તલાશી લેવાનો કોઈ નિયમ નહોતો. સરળ પ્રશ્નો તેઓ સરળતાથી યાદ રાખી શકતા હતા અને દિવસ પૂર્ણ થયા પછી હોટેલના રૂમમાં જઈને પુસ્તકમાં નોંધતા હતા. CBIના જણાવ્યા અનુસાર આરોપી પી.વી. કુલકર્ણી (A-2)એ 31 માર્ચ, 2026થી 2 એપ્રિલ, 2026 દરમિયાન ત્રણ દિવસમાં પ્રશ્નોના ત્રણ સેટનું બેક-ટ્રાન્સલેશન કર્યું હતું, જેમાં કુલ 135 પ્રશ્નો સામેલ હતા. તપાસમાં એવો પણ આરોપ મૂકવામાં આવ્યો છે કે એક્સપર્ટ્સે હાથથી લખેલી નાની ચિઠ્ઠીઓ પર પ્રશ્નો ઉતાર્યા હતા. સુરક્ષિત સ્થળે જઈને તેમણે કાગળની ચિઠ્ઠીઓ પર ગુપ્ત રીતે પ્રશ્નો લખ્યા હતા. CBIના જણાવ્યા મુજબ મોડરેશન પ્રક્રિયામાંથી પ્રશ્નોની માહિતી બહાર લઈ જવા માટે આ હાથથી લખેલી ચિઠ્ઠીઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ચિઠ્ઠીઓમાં પ્રશ્નો ઉપરાંત NCERTના સંબંધિત રેફરન્સ પણ નોંધવામાં આવ્યા હતા.




