દેશભરમાં લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જોડાયેલી નીટ (NEET) પરીક્ષાના વિવાદ અને કથિત પેપર લીક મામલે દેશભરમાં વિદ્યાર્થીઓ અને યુવાનોનો ગુસ્સો ચરમસીમાએ છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ‘કોકરોચ જનતા પાર્ટી’ ના સ્થાપક તરીકે જાણીતા અભિજીત દિપકેએ એક મોટું એલાન કરીને કેન્દ્ર સરકારની મુશ્કેલીઓમાં વધારો કર્યો છે. અભિજીત દિપકેએ જાહેરાત કરી છે કે તેઓ આગામી 6 જૂન, શનિવારના રોજ વિદેશથી ભારત પરત ફરી રહ્યા છે અને દિલ્હીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે એક વિશાળ અને શાંતિપૂર્ણ પ્રદર્શનનું નેતૃત્વ કરશે. અભિજીત દિપકેએ પોતાના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો સંદેશ જાહેર કરીને પોતાના તમામ ફોલોઅર્સ, સમર્થકો અને પીડિત વિદ્યાર્થીઓને આ આંદોલનમાં જોડાવા માટે હાકલ કરી છે.

અભિજીત દિપકેએ વીડિયો સંદેશમાં શું અપીલ કરી?
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં અભિજીત દિપકેએ દેશના યુવાનો અને વિદ્યાર્થીઓને એક થવા માટે જણાવ્યું છે. તેમણે વીડિયોમાં કહ્યું કે, “હવે સમય આવી ગયો છે કે આપણે બધાએ એકસાથે આવવું પડશે. ભારતીય બંધારણના માર્ગ પર ચાલતા રહીને આપણે શાંતિપૂર્ણ રીતે આપણી વાત સરકાર સામે રાખવાની છે અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરવાની છે. જો આપણે બધા એક થઈને અવાજ ઉઠાવીશું, તો સરકારે આપણી ન્યાયી માંગણીઓ સાંભળવી જ પડશે.”
Important announcement:
CJP Founder @abhijeet_dipke will return to India on June 6 for a peaceful protest at Jantar Mantar, Delhi, demanding the resignation of the Education Minister. pic.twitter.com/x9M1v38Pwu
— Cockroach is Back (@Cockroachisback) June 1, 2026
તેમણે પોતાના પ્લાનિંગ અંગે વિગતો આપતા જણાવ્યું કે, 6 જૂન, શનિવારની સવારે તેઓ દિલ્હી એરપોર્ટ પર ઉતરશે. તેમણે પોતાના સમર્થકોને મોટી સંખ્યામાં એરપોર્ટ પર તેમનું સ્વાગત કરવા અને ત્યાં એકઠા થવા ગુજારીશ કરી છે. એરપોર્ટ પર એકઠા થયા બાદ તેઓ તમામ લોકો સાથે મળીને સૌથી પહેલા સંસદ માર્ગ પોલીસ સ્ટેશને જશે અને ત્યાંથી જંતર-મંતર ખાતે શાંતિપૂર્ણ પ્રદર્શન કરવા માટેની સત્તાવાર મંજૂરી માંગશે.
લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય દાવ પર, જવાબદારી નક્કી થવી જરૂરી
અભિજીત દિપકેનો આરોપ છે કે પરીક્ષામાં થયેલી ગંભીર ગેરરીતિઓ, વિવાદો અને પેપર લીકના કારણે દેશના લાખો હોશિયાર વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમાં ધકેલાઈ ગયું છે અને તેઓ માનસિક રીતે ખૂબ જ પરેશાન છે. આથી સરકારની જવાબદારી અને પારદર્શિતા નક્કી થવી ખૂબ જ જરૂરી છે. શિક્ષણ વ્યવસ્થામાં થયેલી આટલી મોટી લાપરવાહી માટે કોઈને કોઈ વરિષ્ઠ અધિકારી કે મંત્રીએ નૈતિક જવાબદારી સ્વીકારવી જ પડશે અને તેના ભાગરૂપે જ તેઓ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર અડગ છે.
તેમણે વધુમાં દાવો કર્યો છે કે, શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગને લઈને શરૂ કરવામાં આવેલી એક ઓનલાઇન પિટિશન (Online Petition) ને પણ અત્યાર સુધીમાં લાખો લોકો પોતાનું સમર્થન આપી ચૂક્યા છે. આ સિવાય દેશના અલગ-અલગ રાજ્યો અને હિસ્સાઓમાં પણ વિદ્યાર્થી સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. દિપકેએ સ્પષ્ટ કર્યું કે ભારતીય બંધારણ દરેક નાગરિકને લોકશાહી ઢબે પોતાની વાત રજૂ કરવાનો અધિકાર આપે છે અને તેમનું આ સૂચિત આંદોલન સંપૂર્ણપણે બંધારણીય દાયરામાં રહીને જ કરવામાં આવશે.



