મેડિકલના વિદ્યાર્થીઓ જ્યારે એકતરફ NEET-UG ના પરિણામની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, ત્યારે બીજી તરફ નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન્સ ઇન મેડિકલ સાયન્સેસ (NBEMS) દ્વારા NEET-PG 2026 ની પરીક્ષાની તારીખો અને સંપૂર્ણ શેડ્યૂલ સત્તાવાર રીતે જાહેર કરી દેવામાં આવ્યું છે. દેશભરના વિવિધ પરીક્ષા કેન્દ્રો પર આ મેડિકલ પોસ્ટ ગ્રેજ્યુએટ પરીક્ષા 30 August, 2026 ના રોજ આયોજિત કરવામાં આવશે. અગાઉ એવી અટકળો હતી કે આ પરીક્ષામાં થોડો વિલંબ થઈ શકે છે, પરંતુ હવે બોર્ડે સ્પષ્ટતા કરી દીધી છે કે આ પરીક્ષા કમ્પ્યુટર આધારિત મોડ (CBT) માં જ લેવાશે.

પરીક્ષાનું સંપૂર્ણ શેડ્યૂલ (Important Dates)
અરજી પ્રક્રિયાની શરૂઆત: 01 July, 2026
અરજી કરવાની છેલ્લી તારીખ: 21 July, 2026
ફોર્મ સુધારણા (Correction Window): 25 થી 28 July, 2026
એક્ઝામ સિટી સ્લિપ જાહેર થવાની તારીખ: 11 August, 2026
એડમિટ કાર્ડ (Admit Card) ડાઉનલોડ કરવાની તારીખ: 27 August, 2026
પરીક્ષાની તારીખ: 30 August, 2026
કેટલા રૂપિયા રહેશે પરીક્ષા ફી?
NEET-PG પરીક્ષામાં ભાગ લેવા માટે ઉમેદવારોએ નિયત ફી ચૂકવવી પડશે. સામાન્ય (General), ઓબીસી (OBC) અને ઇડબલ્યુએસ (EWS) કેટેગરીના ઉમેદવારો માટે રજીસ્ટ્રેશન ફી 3,500 રૂપિયા નક્કી કરવામાં આવી છે. જ્યારે એસસી (SC), એસટી (ST) અને પિડબલ્યુડી (PWD) કેટેગરીના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા ફી 2,500 રૂપિયા રાખવામાં આવી છે.
શૈક્ષણિક લાયકાત (Eligibility)
આ પરીક્ષામાં બેસવા માટે ઉમેદવારે ભારતની કોઈપણ માન્યતા પ્રાપ્ત તબીબી સંસ્થા અથવા યુનિવર્સિટીમાંથી એમબીબીએસ (MBBS) નો અભ્યાસક્રમ પૂર્ણ કરેલો હોવો અનિવાર્ય છે.
નિયમોમાં મોટા ફેરફારો: ઉતાવળ ન કરવા બોર્ડની સલાહ
NBEMS દ્વારા બહાર પાડવામાં આવેલા નોટિફિકેશનમાં વિદ્યાર્થીઓને ખાસ સલાહ આપવામાં આવી છે કે તેઓ માહિતી પુસ્તિકા (PDF) ને ધ્યાનપૂર્વક વાંચે અને ઉતાવળમાં ફોર્મ સબમિટ ન કરે. આ વખતે પરીક્ષાના નિયમોમાં કેટલાક મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યા છે, જેમાં મુખ્યત્વે પરીક્ષાના શહેરોની ફાળવણી (City Allocation) અને સરકારી આઈડી વેરિફિકેશન પ્રક્રિયાનો સમાવેશ થાય છે.
આ વર્ષે ‘પહેલા તે પહેલાના ધોરણે’ (First Come First Served) ના આધારે શહેરોની ફાળવણી કરવામાં આવશે નહીં. રજીસ્ટ્રેશન કરતી વખતે ઉમેદવારોએ પોતાની પસંદગીના શહેરોના 3 અલગ-અલગ વિકલ્પો આપવા ફરજિયાત રહેશે. તેથી વહેલા ફોર્મ ભરવાનો કોઈ વધારાનો ફાયદો મળશે નહીં.
ફોટોગ્રાફ અપલોડ કરવા અંગે કડક સૂચના
નવા નિયમો અનુસાર ઉમેદવારોએ પોતાનો બિલકુલ નવો અને તાજેતરમાં લીધેલો ફોટો જ અપલોડ કરવો પડશે, જે 3 મહિનાથી વધુ જૂનો ન હોવો જોઈએ. જો ફોટો બ્લર (ઝાંખો) હશે અથવા તેમાં કોઈ એડિટિંગ કરેલું જણાશે તો અરજી ફોર્મ સીધું જ રિજેક્ટ (રદ) થઈ શકે છે. પરીક્ષામાં થતી ગેરરીતિઓ અને છેતરપિંડી રોકવા માટે આ વખતે નિયમો વધુ કડક કરાયા છે. વળી, એકવાર ફાઇનલ સબમિશન થઈ ગયા પછી ફોર્મમાં સુધારો કરવાનો કોઈ મોકો મળશે નહીં, જેથી ઉમેદવારોએ પોતાની તમામ વિગતો ખૂબ જ ચોકસાઈથી ભરવાની રહેશે.

