નેપાળ: વિનાશક પૂર અને ભૂસ્ખલનને કારણે સર્જાયેલી હોનારતમાં 626થી વધુ લોકોના મોત થયા છે અને 2400થી વધુ લોકો ગુમ છે. આ કટોકટીની સ્થિતિ વચ્ચે હાઇડ્રોપાવર પ્રોજેક્ટની ટનલોમાં ફસાયેલા શ્રમિકોને સુરક્ષિત બહાર કાઢવા માટે ભારતની 11 સભ્યની વિશેષ રેસ્ક્યૂ ટીમ નેપાળ પહોંચી છે.
આ ટીમમાં ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં ૨૦૨૩ના ચર્ચિત ‘સિલ્ક્યારા ટનલ ઓપરેશન’માં સક્રિય ભૂમિકા ભજવનારા ટનલ રેસ્ક્યૂ નિષ્ણાતો અને મેડિકલ સ્ટાફનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, આંતરરાષ્ટ્રીય ટનલ નિષ્ણાત પ્રોફેસર આર્નોલ્ડ ડિક્સ પણ આ મિશન માટે ઓનલાઇન માર્ગદર્શન આપી રહ્યા છે.
હાલમાં નેપાળમાં સેના, પોલીસ અને સુરક્ષા દળોના 11000થી વધુ જવાન મોટાપાયે રાહત અને બચાવ કામગીરીમાં જોડાયેલા છે. તંત્ર દ્વારા અત્યાર સુધીમાં 2,465થી વધુ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. ત્રિશૂલી તથા રસુવા સ્થિત હાઇડ્રોપાવર ટનલોમાંથી 191 શ્રમિકનો બચાવ કરાયો છે. ઉપરથી બધું નષ્ટ થઈ ગયું હોવા છતાં, અંડરગ્રાઉન્ડ ટનલો પ્રમાણમાં મજબૂત હોવાથી અંદર ફસાયેલા લોકો જીવિત હોવાની આશા સેવાઈ રહી છે.
પહાડી વિસ્તારોમાં તૂટેલા રસ્તા, નદીઓનો ધસમસતો પ્રવાહ અને ફરીથી પૂર આવવાનું જોખમ બચાવ કામગીરીમાં મોટો પડકાર બની રહ્યું છે. ભોટેકોશી નદીનું સ્તર વધતાં અને ઉપરના ભાગે તળાવો ભરાતાં ફરી પૂરની ચેતવણી આપવામાં આવી છે. ભારતીય ટીમ અને નેપાળી એન્જિનિયરો સાથે મળીને કોઈપણ પરિસ્થિતિમાં ટનલમાંથી શ્રમિકોને સલામત બહાર કાઢવા માટે સમય સામે હોડ ભરીને કામ કરી રહ્યા છે.




