નેપાળના પૂરની બિહારમાં અનોખી અસર

નેપાળના લેંગટાંગ લિરુંગ વિસ્તારમાં ગત 26 ઓગસ્ટે બરફ અને ખડકોનો વિશાળ હિસ્સો તૂટી પડતાં ભારે હોનારત સર્જાઈ હતી. આ ગ્લેશિયર તૂટવાની ઘટનાના હૃદયકંપાવનારી ડ્રોન ફૂટેજ સામે આવ્યા છે, જેમાં કુદરતનો કાળો કેર સ્પષ્ટ જોઈ શકાય છે. પહાડો પરથી ધસી આવેલા મલબા અને પાણીના આક્રમક પ્રવાહના કારણે નેપાળના રસુવા જિલ્લામાં કલ્પનાતીત વિનાશ વેર્યો હતો. જોકે, આ કુદરતી આફતની એક અત્યંત ચોંકાવનારી અસર હવે ભારત સુધી પહોંચી છે.

નેપાળથી બિહાર સુધી પહોંચ્યો પૂરનો પ્રવાહ

નેપાળની ભોટેકોશી અને ત્રિશૂલી નદીઓમાંથી આ પૂરનો પ્રવાહ નારાયણી નદી સિસ્ટમમાં પ્રવેશ્યો હતો. આ જ પાણી વાલ્મિકીનગર સરહદથી ભારતમાં પ્રવેશીને ‘ગંડક નદી’ તરીકે ઓળખાય છે. પહાડી પ્રદેશોમાંથી ધસમસતા આવેલા પૂરના પાણી સાથે નેપાળના ઊંડા જળાશયો અને પહાડી નદીઓમાં વસતી મહાકાય માછલીઓ પણ તણાઈને બિહારની ગંડક નદીમાં આવી પહોંચી છે.

ગંડક નદીના કિનારે 90 થી 150 કિલોની માછલીઓ પકડાઈ

બિહારના ગોપાલગંજ સ્થિત મંગલપુર ઘાટ, વાલ્મિકીનગર અને બગહા જેવા વિસ્તારોમાં સ્થાનિક માછીમારો માટે આ પૂર એક અણધારી તક બનીને આવ્યું છે. નદીમાં જાળ નાખતા માછીમારોને 40-50 કિલોથી લઈને 90 કિલો અને 1.5 ક્વિન્ટલ (150 કિલો) સુધીનું વજન ધરાવતી દૈત્યકાર માછલીઓ મળી રહી છે. પૂરના ચંડ વેગના કારણે કેટલીક માછલીઓ જીવંત તો કેટલીક મૃત અવસ્થામાં કિનારે તણાઈ આવી છે.

સોશિયલ મીડિયા પર વિડિયો વાયરલ, લોકોના ટોળા ઉમટ્યા

નદીમાંથી આટલી વિશાળકાય માછલીઓ મળી આવવાના વિડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યા છે. વિડિયોમાં સ્થાનિક લોકો માછલીઓને નદી બહાર કાઢતા, તેનું વજન કરતા અને બાઇક કે લારીઓ પર લાદીને લઈ જતા જોઈ શકાય છે. આ અદ્ભુત નજારો જોવા માટે ગંડક નદીના કિનારે ગ્રામજનોના ભારે ટોળાં એકઠા થઈ રહ્યા છે.