કાઠમંડુ: ગત ઓગસ્ટ મહિનામાં ત્રિશુલી-ભોટે કોશી નદી પ્રણાલીમાં આવેલા અચાનક પૂર (ફ્લેશ ફ્લડ્સ) બાદ ગુમ થયેલા 213 ભારતીય નાગરિકોને ઔપચારિક રીતે મૃત જાહેર કરવાની પ્રક્રિયા નેપાળ સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે. નેપાળની નેશનલ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન એન્ડ મેનેજમેન્ટ ઓથોરિટીએ ગુમ થયેલા ભારતીય નાગરિકોની યાદી પોતાની વેબસાઈટ પર પ્રસિદ્ધ કરીને તેમાં નામ ઉમેરવા, રદ કરવા કે સુધારા કરવા અંગે વાંધા-સૂચનો મંગાવ્યા છે.
૨ ડિસેમ્બર સુધી ભારતીય દૂતાવાસનો સંપર્ક કરી શકાશે
નેપાળ સ્થિત ભારતીય દૂતાવાસે જણાવ્યું હતું કે, આ યાદી અંગે કોઈ ચિંતા, વાંધો કે સુચિત ફેરફાર હોય તો પરિવારજનો ૨ ડિસેમ્બર પહેલા દૂતાવાસનો સંપર્ક કરી શકે છે. પરિવારજનો eoikathmandufloodsupport@gmail.com પર ઈમેઈલ કરીને અથવા +9779851316807 નંબર પર ફોન કરીને સંપર્ક સાધી શકે છે.
સૂચનો અને સુધારાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નેપાળ સરકાર યાદીને આખરી સ્વરૂપ આપશે અને મૃત્યુની ઔપચારિક જાહેરાત કરશે. ત્યારબાદ ભારતીય દૂતાવાસ નેપાળના સ્થાનિક તંત્ર પાસેથી મૃત્યુ પ્રમાણપત્રો મેળવવાની કામગીરી શરૂ કરશે અને આ પ્રક્રિયા દરમિયાન પરિવારો પાસેથી વધારાની વિગતો તથા દસ્તાવેજો પણ માંગી શકે છે.
ઓગસ્ટના પૂરમાં ભારે તારાજી
નેપાળની ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના જણાવ્યા અનુસાર, ૨૬ ઓગસ્ટના રોજ આવેલા વિનાશક પૂરમાં ઓછામાં ઓછા ૧,૪૫૩ લોકોના મોત થયા હતા અને ૫,૦૦૦થી વધુ લોકો ગુમ થયા હતા. હિમાલયના સરહદી વિસ્તારમાંથી દક્ષિણ તરફ વહેતી ભોટે કોશી નદીના પૂરના પાણીએ મકાનો, વાહનો, રસ્તાઓ અને પુલોને તબાહ કરી દીધા હતા તેમજ હાઈડ્રોપાવર પ્રોજેક્ટ્સને પણ ભારે નુકસાન પહોંચાડ્યું હતું.




