નેપાળના વડાપ્રધાન બાલેન શાહ (બાલેન્દ્ર શાહ) રવિવારે ભારતની મુલાકાતે પહોંચ્યા હતા. સોમવારે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન ભારત અને નેપાળ વચ્ચે વેપાર, ઊર્જા, રોકાણ, કનેક્ટિવિટી અને માળખાકીય સુવિધાઓના વિકાસ સહિતના મહત્ત્વના મુદ્દાઓ પર ચર્ચા થશે. બાલેન શાહ માર્ચમાં નેપાળના વડાપ્રધાન બન્યા બાદ પ્રથમ સત્તાવાર દ્વિપક્ષીય વિદેશ પ્રવાસે ભારત આવ્યા છે.

36 વર્ષીય બાલેન શાહ PM નરેન્દ્ર મોદીના આમંત્રણ પર ભારત આવ્યા છે. તેઓ નેપાળ એરલાઇન્સની નિયમિત વ્યાપારી ફ્લાઇટ દ્વારા ભારત પહોંચ્યા હતા. તેમની સાથે 34 સભ્યોનું પ્રતિનિધિમંડળ પણ આવ્યું છે. જેમાં મુખ્ય સલાહકાર કુમાર બયાંજનકર, નાણામંત્રી સ્વર્ણિમ વાઘલે અને વિદેશમંત્રી શિશિર ખનાલનો સમાવેશ થાય છે. આ ઉપરાંત એક અલગ વેપારી પ્રતિનિધિમંડળ પણ ભારતની મુલાકાતે આવ્યું છે.
રાષ્ટ્રપતિ મુર્મુ સાથે પણ કરશે મુલાકાત
ભારત પ્રવાસ દરમિયાન બાલેન શાહ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરશે. આ ઉપરાંત PM નરેન્દ્ર મોદી સાથે પ્રતિનિધિમંડળ સ્તરની દ્વિપક્ષીય મંત્રણા કરશે. વિદેશમંત્રી એસ. જયશંકર પણ નેપાળના વડાપ્રધાન સાથે શિષ્ટાચાર મુલાકાત કરશે.
બંને દેશો વચ્ચેની ચર્ચામાં વેપાર, પારગમન, ઊર્જા, રોકાણ અને સરહદ પાર કનેક્ટિવિટી વધારવા પર વિશેષ ભાર મૂકવામાં આવશે. આ ઉપરાંત માળખાકીય સુવિધાઓના વિકાસ અંગે પણ ચર્ચા થશે.
અનેક કરાર પર હસ્તાક્ષર થવાની શક્યતા
નેપાળના વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ પ્રવાસ દરમિયાન ઊર્જા સહયોગ સાથે જોડાયેલી વિવિધ યોજનાઓનું ઉદ્ઘાટન અને નવી યોજનાઓનું ખાતમુહૂર્ત થઈ શકે છે. શિક્ષણ, આરોગ્ય, કૃષિ, અંતરિક્ષ, આપત્તિ વ્યવસ્થાપન અને માનવ સંસાધન વિકાસ જેવા ક્ષેત્રોમાં અનેક સમજૂતી કરારો (MoU)ની આપ-લે થવાની પણ શક્યતા છે. બાલેન શાહ નેપાળ-ભારત બિઝનેસ ફોરમને સંબોધિત કરશે અને ભારતીય ઉદ્યોગજગતના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરશે. તેનો હેતુ નેપાળમાં રોકાણની નવી તકોને પ્રોત્સાહન આપવાનો છે.
ઊર્જા અને કનેક્ટિવિટી પર વિશેષ ભાર
ભારત અને નેપાળ વચ્ચે ઊર્જા સહયોગ મહત્ત્વપૂર્ણ છે. નેપાળ પોતાની વધારાની જળવિદ્યુત ભારતને નિકાસ કરે છે અને ભારતીય વીજળી બજારમાં પોતાની પહોંચ વધારવાના પ્રયાસો કરી રહ્યું છે. બંને દેશો વીજળી ટ્રાન્સમિશન માળખા અને સરહદ પારની ઊર્જા યોજનાઓમાં પણ સહયોગ વધારી રહ્યા છે.
નેપાળમાં ગયા વર્ષે સપ્ટેમ્બરમાં જેન-ઝી આંદોલન બાદ કે.પી. શર્મા ઓલીની સરકાર પડી ભાંગી હતી. ત્યારબાદ માર્ચમાં રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટી (RSP)ના નેતૃત્વમાં બાલેન શાહની સરકાર બની હતી. ભારત પ્રવાસ પહેલાં નેપાળના વિપક્ષી પક્ષ નેપાળી કોંગ્રેસે સરકારને રાષ્ટ્રીય હિતોને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવાની સલાહ આપી હતી.




