બિહાર ચૂંટણીમાં પરિવારવાદની બોલબાલાઃ નેતાઓના સંબંધીઓને ટિકિટ

પટનાઃ ભારતીય રાજકારણમાં પરિવારવાદ કોઈ નવી બાબત નથી. દરેક ચૂંટણીમાં તે કોઈ ને કોઈ સ્વરૂપે છે જ. રાજકીય પાર્ટીઓ મોટે ભાગે પોતાના જાણીતા નેતાઓના પરિવારોને ઉમેદવારી આપે છે, જેથી મતદારોમાં વિશ્વાસ જળવાય અને જીતવાની શક્યતા વધે. પરિણામે, અનેક વિધાનસભા ક્ષેત્રોમાં પિતા, માતા, પુત્ર, પુત્રી અથવા અન્ય સંબંધીઓ ચૂંટણી મેદાનમાં જોવા મળે છે. આ વખતે પણ JDU અને RJD જેવી મોટી પાર્ટીઓએ વરિષ્ઠ નેતાઓનાં બાળકો અને પરિવારના સભ્યોને ઉમેદવાર બનાવ્યા છે.

 જીતન રામ માંઝી કેમ ચર્ચામાં?

આ ચૂંટણીમાં એવા 42 ઉમેદવારો છે, જેમના પરિવારના સભ્યો અગાઉ સાંસદ અથવા ધારાસભ્ય રહી ચૂક્યા છે. ખાસ કરીને ભૂતપૂર્વ મુખ્ય મંત્રી જીતન રામ માંઝીની પાર્ટી હિંદુસ્તાની અવામ મોર્ચા (સેક્યુલર) સૌથી વધારે ચર્ચામાં છે. આ વખતે માંઝીએ પોતાનાં વહુ, વેવાઇ, જમાઈ અને ભત્રીજાને ચૂંટણીમેદાનમાં ઉતાર્યા છે.

ADRના અહેવાલમાં ચોંકાવનારી માહિતી

એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)ના અહેવાલ મુજબ બિહારમાં વંશવાદનું પ્રમાણ ચોંકાવનારું છે.

બિહારના કુલ 360 સાંસદ, ધારાસભ્યો અને ધારાસભા પરિષદના સભ્યોમાં 96 (27 ટકા) વંશવાદી પૃષ્ઠભૂમિ ધરાવે છે.  હાલના વિધાનસભ્યોમાં 27 ટકા રાજકીય પરિવારના છે. 40 લોકસભા સાંસદોમાંથી 15 (37.5 ટકા) અને રાજ્યસભાના 16માંથી એક સાંસદ રાજકીય પરિવારમાંથી આવે છે. આ આંકડાઓ દર્શાવે છે કે ટિકિટ વહેંચતી વખતે પાર્ટીઓને કાર્યકર્તાઓ કરતાં પરિવારના સભ્યો વધારે યાદ આવે છે.