ભારતમાં પાકિસ્તાની વેબ સિરીઝ રિલીઝ નહીં કરવાનો નેટફિલક્સને આદેશ

નવી દિલ્હી: નેટફ્લિક્સની પ્રથમ પાકિસ્તાની વેબ સિરીઝ ‘જો બચે હૈ સંગ સમેટ લો’ને લઈને વિવાદ શરૂ થયો છે. બીજી તરફ, માહિતી અને પ્રસારણ મંત્રાલયે નેટફ્લિક્સને એ સુનિશ્ચિત કરવા જણાવ્યું છે કે પાકિસ્તાનમાં બનેલી કોઈ પણ સામગ્રી ભારતમાં પ્રસારિત ન થાય. સત્તાવાર સૂત્રોએ આ માહિતી આપી છે.

સૂત્રોના જણાવ્યાનુસાર મંત્રાલયને પાકિસ્તાનમાં બનેલી વેબ સિરીઝ ‘જો બચે હૈ સંગ સમેટ લો’ના ભારતમાં સંભવિત પ્રસારણને લઈને અનેક ફરિયાદો અને રજૂઆતો મળી હતી. ત્યાર બાદ મંત્રાલયે નેટફ્લિક્સને આ નિર્દેશ આપ્યો હતો. સૂત્રોએ જણાવ્યું હતું કે મંત્રાલયે નેટફ્લિક્સને 8 મે, 2025એ જાહેર કરવામાં આવેલી પોતાની સલાહનું પાલન કરવા અને પાકિસ્તાનમાં તૈયાર કરવામાં આવેલી સ્ટ્રીમિંગ સામગ્રી ભારતમાં ઉપલબ્ધ ન કરાવવાનું સુનિશ્ચિત કરવા જણાવ્યું છે. ગયા વર્ષે જૂનમાં નેટફ્લિક્સે મંત્રાલયને જાણ કરી હતી કે તેણે પાકિસ્તાનમાં બનેલી કોઈ પણ ફિલ્મ કે વેબ સિરીઝ ભારતમાં પોતાના ગ્રાહકો માટે ઉપલબ્ધ કરાવી નથી. મંત્રાલયે નેટફ્લિક્સને તે સમયે આપેલા આશ્વાસન પર કાયમ રહેવા અને અગાઉ જણાવેલી સ્થિતિ જાળવી રાખવા કહ્યું છે.

આ વેબ સિરીઝનું ટ્રેલર મંગળવારે રિલીઝ કરવામાં આવ્યું હતું અને તેને ચોથી ડિસેમ્બરે પ્રસારિત કરવાની યોજના હતી. ત્યાર બાદ આ શોને ભારતમાં રિલીઝ ન કરવાની માગ ઊઠી હતી. હવે આ મામલે કેન્દ્ર સરકારની પ્રતિક્રિયા સામે આવી છે.

AICWAએ કરી હતી પ્રતિબંધ મૂકવાની માગ

23 નવેમ્બરે નેટફ્લિક્સની મિડલ ઈસ્ટ અને નોર્થ આફ્રિકા ટીમે પોતાના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર આ વેબ સિરીઝની જાહેરાત કરી હતી. નેટફ્લિક્સના સત્તાવાર હેન્ડલ પરથી સિરીઝનું પોસ્ટર પણ શેર કરવામાં આવ્યું હતું. આ પોસ્ટરમાં ‘જો બચે હૈ સંગ સમેટ લો’ના કલાકારો ફવાદ ખાન, માહિરા ખાન, સનમ સઈદ, ઇકરા અઝીઝ, હાનિયા આમિર, હમઝા અલી અબ્બાસી અને અહદ રઝા મીર પોતપોતાનાં પાત્રોમાં જોવા મળ્યાં હતાં. પોસ્ટર સામે આવતાં જ ઓલ ઇન્ડિયા સિને વર્કર્સ એસોસિયેશન (AICWA)એ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને અપીલ કરી હતી કે નેટફ્લિક્સ ઇન્ડિયા પર આ પાકિસ્તાની વેબ સિરીઝ રિલીઝ કરવામાં ન આવે. સંગઠને તેને ભારતીય ઓટીટી પ્લેટફોર્મ પર પ્રતિબંધિત કરવાની માગ કરી હતી.