ગાંધીનગર: ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગ દ્વારા ‘વિકસિત ગુજરાત ઔદ્યોગિક નીતિ ૨૦૨૬’ (Viksit Gujarat Industrial Policy 2026)ના મુખ્ય અંશો જાહેર કરવામાં આવ્યા છે. “વિકસિત ભારત @૨૦૪૭”ના વિઝનને સાકાર કરવાના ઉદ્દેશ્ય સાથે તૈયાર કરાયેલી આ નીતિમાં ઇનોવેશન, સસ્ટેનેબિલિટી અને રોજગાર નિર્માણ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.
આ નવી નીતિની મુખ્ય વિગતો અને મહત્વની જાહેરાતો નીચે મુજબ છે:
૨૧ પ્રાયોરિટી સેક્ટર્સ પર વિશેષ ધ્યાન (Thrust Sectors)
સરકારે ૨૧ મહત્વના ક્ષેત્રોને ‘થ્રસ્ટ સેક્ટર્સ’ તરીકે જાહેર કર્યા છે, જેમાં ગ્રીન એનર્જી ઇકોસિસ્ટમ (ગ્રીન હાઇડ્રોજન, ઇલેક્ટ્રોલાઇઝર, બેટરી સ્ટોરેજ), ઓટો અને એવિએશન મોબિલિટી, સેમિકન્ડક્ટરના આનુષંગિક એકમો, ફાર્માસ્યુટિકલ્સ, ટેક્સટાઇલ્સ તેમજ ડ્રોન અને રોબોટ્સ ઉત્પાદન જેવા હાઇ-ટેક ક્ષેત્રોનો સમાવેશ થાય છે.
સ્ટાર્ટઅપ્સ માટે મોટી જાહેરાતો
નવા સાહસોને પ્રોત્સાહન આપવા માટે સરકારે આકર્ષક આર્થિક સહાયની જાહેરાત કરી છે:
-
ભરણપોષણ ભથ્થું: સામાન્ય સ્ટાર્ટઅપ્સ માટે રૂ. ૨૫,૦૦૦ પ્રતિ માસ અને મહિલા સહ-સ્થાપક ધરાવતા સ્ટાર્ટઅપ્સ માટે રૂ. ૩૦,૦૦૦ પ્રતિ માસ (૧ વર્ષ માટે) આપવામાં આવશે. હાઇ-ટેક, ફિનટેક કે ગ્રીન સ્ટાર્ટઅપ્સને વધુ એક વર્ષની સહાય મળશે.
-
સીડ સપોર્ટ: હાઇ-ઇમ્પેક્ટ સ્ટાર્ટઅપ્સ માટે રૂ. ૩૦ થી ૪૦ લાખ અને ગ્રીન/ફિનટેક સ્ટાર્ટઅપ્સ માટે વધારાના રૂ. ૧૦ લાખ સુધીનું પ્રારંભિક ભંડોળ મળશે.

મહિલા સાહસિકો માટે ‘૩૬૦ ડિગ્રી અભિગમ’
મહિલા સશક્તિકરણને વેગ આપવા માટે ટર્મ લોન પર વધારાની ૧% વ્યાજ સબસિડી અપાશે. કરિયરમાં બ્રેક લીધા બાદ ફરી ઉદ્યોગ જગતમાં જોડાવા માંગતી મહિલાઓ માટે વિશેષ ‘રીટર્ન-ટુ-ઇન્ડસ્ટ્રી એક્સિલરેટર’ કોર્સ શરૂ કરાશે. આ ઉપરાંત મહિલા સાહસિકોને ૫ વર્ષ માટે વાર્ષિક રૂ. ૩ લાખ સુધી ભાડા સહાય (૭૫% સુધી) પણ મળશે.
ગુજરાત બનશે ગ્લોબલ R&D (સંશોધન) હબ
ગુજરાતને રિસર્ચ હબ બનાવવા માટે મોટી સબસિડી જાહેર કરાઈ છે. લઘુત્તમ રૂ. ૩૦૦ કરોડના રોકાણ સાથે સ્થપાનારા પ્રથમ ૫ સંશોધન કેન્દ્રોને ‘અર્લી બર્ડ ઇન્સેન્ટિવ’ હેઠળ ૫૦% કેપિટલ સબસિડી (૫ વર્ષમાં વાર્ષિક રૂ. ૫૦ કરોડ સુધી) આપવામાં આવશે. આ ઉપરાંત જમીનની ખરીદી પર ૨૫% રિઇમ્બર્સમેન્ટ અને પેટન્ટ દીઠ રૂ. ૧૫ લાખ સુધીની સહાય મળશે. GIDC દ્વારા વિશેષ ‘ગુજરાત રિસર્ચ એન્ડ ઇનોવેશન પાર્ક’ નું પણ નિર્માણ કરવામાં આવશે.
શ્રમિકો માટે આધુનિક આવાસ યોજના
ઔદ્યોગિક ક્ષેત્રોની આસપાસ કામદારો અને વર્કિંગ વિમેન માટે ડોર્મિટરી અને હોસ્ટેલ બનાવવા માટે સરકાર પ્રોજેક્ટ ખર્ચના ૪૦% થી ૮૦% (મહત્તમ રૂ. ૪૦ કરોડ સુધી) ની જંગી આર્થિક સહાય આપશે.
પ્રોજેક્ટ T.H.R.I.V.E. અને પ્રદૂષણ નિયંત્રણ
શહેરોમાં ભીડ ઘટાડવા માટે ઉદ્યોગોને શહેર બહાર સ્થળાંતર કરવા પ્રેરિત કરાશે. આવા સ્થળાંતરિત એકમોને ‘નવા એકમ’ ગણીને વિશેષ લાભ અને શ્રમિકોને ૬ મહિના સુધી પ્રતિ માસ રૂ. ૫,૦૦૦ ની વેતન સહાય ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) દ્વારા અપાશે. પર્યાવરણની જાળવણી માટે ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ (ZLD) અને વેસ્ટવોટર રિસાયક્લિંગ સિસ્ટમ ગોઠવવા માટે રૂ. ૫૦ થી ૭૫ કરોડ સુધીની સહાય જાહેર કરાઈ છે.
MSMEs અને મોટા ઉદ્યોગો માટે લવચીક (Flexible) વિકલ્પો
રાજ્યના ઉદ્યોગો પોતાની નાણાકીય જરૂરિયાત મુજબ કેપિટલ સબસિડી, વ્યાજ સબસિડી અને પાવર ટેરિફ (વીજ દર)નું મિશ્રણ પસંદ કરી શકશે. તાલુકાઓને કેટેગરી A અને Bમાં વહેંચવામાં આવ્યા છે. કેટેગરી Aમાં MSMEsને ૩૫% સુધી કેપિટલ સબસિડી અને રૂ. ૨ પ્રતિ યુનિટ વીજ સહાય મળશે. જ્યારે મોટા, મેગા અને અલ્ટ્રા-મેગા પ્રોજેક્ટ્સ માટે રોકાણના કદના આધારે ૧૨ વર્ષ સુધીના વિવિધ આકર્ષક પ્રોત્સાહનો નક્કી કરવામાં આવ્યા છે. એસસી (SC) અને એસટી (ST) ઉદ્યોગસાહસિકો માટે કુલ સબસિડી મર્યાદામાં વધારાના ૫% ની છૂટછાટ અપાશે.
ભવિષ્ય માટે સજ્જ કાર્યબળ (Future-Ready Workforce)
ઉદ્યોગોને કુશળ કારીગરો મળી રહે તે માટે એન્કર ઇન્સ્ટિટ્યૂટ્સને મશીનરી માટે રૂ. ૧૦ કરોડ સુધી ૧૦૦% કેપિટલ સબસિડી અપાશે. આ ઉપરાંત ખાનગી ઉદ્યોગો જો પોતાના ઉપયોગ માટે ‘કેપ્ટિવ સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટર’ સ્થાપશે તો તેમને પણ ૫૦% (મહત્તમ રૂ. ૧૦ કરોડ) સુધીની મદદ કરવામાં આવશે.






