નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઓસ્ટ્રેલિયાના સૌથી મોટા પેન્શન ફંડ ઓસ્ટ્રેલિયનસુપર AustralianSuper દ્વારા ભારતમાં 500 મિલિયન ઓસ્ટ્રેલિયન ડોલર (આશરે રૂ. 3311 કરોડ)ના વધારાના મૂડીરોકાણની જાહેરાતનું સ્વાગત કર્યું છે. આ રોકાણ ભારતના National Investment and Infrastructure Fund (NIIF)માં કરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે આ નિર્ણય ભારતની વિકાસયાત્રા અને સુધારાઓ પ્રત્યે વધતા વૈશ્વિક વિશ્વાસનું વધુ એક ઉદાહરણ છે.
તેમણે જણાવ્યું હતું કે આ રોકાણ ભારતની ઝડપી ગતિએ આગળ વધતા અર્થતંત્રમાં વૈશ્વિક રોકાણકારો માટે રહેલી વિશાળ તકોને પણ દર્શાવે છે. ઓસ્ટ્રેલિયનસુપરનું આ નવું રોકાણ ભારતમાં તેની પહેલેથી જ મજબૂત હાજરીને વધુ વિસ્તૃત કરશે. ફંડ અગાઉથી જ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇક્વિટી અને પ્રાઇવેટ માર્કેટ્સ સહિત વિવિધ એસેટ વર્ગોમાં ભારતમાં મૂડીરોકાણ કરી ચૂક્યું છે.
મેલબોર્નમાં આયોજિત India-Australia CEO ફોરમને સંબોધતાં વડા પ્રધાન મોદીએ આ પ્રતિબદ્ધતાને ઓસ્ટ્રેલિયા સાથેના આર્થિક સંબંધોને વધુ ગાઢ બનાવવામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન ગણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે આ જાહેરાત એ વાતનો સ્પષ્ટ સંકેત છે કે લાંબા ગાળાની વિદેશી મૂડી ભારતને સ્થિર, ઊંચી વૃદ્ધિ ધરાવતા અને ધીરજપૂર્વકના મોટા રોકાણ માટે યોગ્ય ગંતવ્ય તરીકે જુએ છે.
India welcomes the AU$500 million investment from AustralianSuper, announced by their Chief Executive, Mr. Paul Schroder this morning in Melbourne. This is yet another glimpse of the global confidence in India’s growth and reform trajectory. It also reflects the immense…
— Narendra Modi (@narendramodi) July 9, 2026
ઓસ્ટ્રેલિયનસુપરના CEO પોલ શ્રોડરે (Paul Schroder)એ જણાવ્યું હતું મને અગાઉ પણ વડા પ્રધાન મોદી સાથે મળવાની તક મળી છે અને તેમણે હંમેશાં મને વિશ્વાસ અપાવ્યો છે કે તેઓ વ્યવસાય અને રોકાણને સારી રીતે સમજે છે. તેઓ ભારતની સમૃદ્ધિ વિશે લાંબા ગાળાનો દૃષ્ટિકોણ ધરાવે છે અને રોકાણકારો માટે સ્થિર નીતિ માળખું સુનિશ્ચિત કરે છે. વ્યવસાય સાથે જોડાવાની તેમની રીતથી હું ખૂબ પ્રભાવિત થયો છું.
NIIFમાં ઓસ્ટ્રેલિયનસુપરનું 500 મિલિયન ઓસ્ટ્રેલિયન ડોલરનું વધારાનું રોકાણ
ઓસ્ટ્રેલિયનસુપર ભારતના NIIFમાં પોતાની ભાગીદારી વધુ મજબૂત બનાવશે. નવા 500 મિલિયન ઓસ્ટ્રેલિયન ડોલરના રોકાણ સાથે ભારતીય એસેટ વર્ગોમાં તેનો કુલ એક્સપોઝર 3.3 બિલિયન ઓસ્ટ્રેલિયન ડોલર સુધી પહોંચી જશે. આ નવી પ્રતિબદ્ધતા 2019માં કરવામાં આવેલા 240 મિલિયન ઓસ્ટ્રેલિયન ડોલરના પ્રારંભિક રોકાણ પછી આવી છે અને તે ભારતની લાંબા ગાળાની વિકાસકથા તથા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રની તકો પ્રત્યે વધતા વિશ્વાસને પ્રતિબિંબિત કરે છે.




