મહારાષ્ટ્ર સરકારે લિફ્ટની સુરક્ષાને લઈને મોટો નિર્ણય લીધો છે. રાજ્યમાં લિફ્ટ, એસ્કેલેટર અને મૂવિંગ વોકના ઉપયોગ માટે નવી નિયમાવલી લાગુ કરવામાં આવી છે. ‘મહારાષ્ટ્ર લિફ્ટ, એસ્કેલેટર અને મૂવિંગ વોક નિયમાવલી, 2026’ 1 નવેમ્બર 2026થી અમલી બની છે. નવા નિયમો અનુસાર, 12 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકો માતા-પિતા અથવા વાલીની સાથે જ લિફ્ટ અને એસ્કેલેટરનો ઉપયોગ કરી શકશે. આ નિયમ મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં લાગુ પડશે. નવા નિયમો હેઠળ બિલ્ડિંગ અને સોસાયટી મેનેજમેન્ટની જવાબદારી પણ વધારવામાં આવી છે.

12 વર્ષથી નાનાં બાળકો એકલા લિફ્ટનો ઉપયોગ નહીં કરી શકે
રાજ્ય સરકારે લિફ્ટમાં વધતી દુર્ઘટનાઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે. નવા નિયમ મુજબ 12 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકો માતા-પિતા અથવા વાલી વિના લિફ્ટ કે એસ્કેલેટરનો ઉપયોગ કરી શકશે નહીં. મુંબઈ, પુણે અને નાગપુર સહિત સમગ્ર મહારાષ્ટ્રની રહેણાક ઇમારતોમાં આ નિયમનું પાલન કરવું પડશે.
લિફ્ટની નિયમિત તપાસ અને સર્વિસિંગ ફરજિયાત
નવી નિયમાવલી હેઠળ રાજ્યમાં ઉપયોગમાં લેવાતી દરેક લિફ્ટ, એસ્કેલેટર અને મૂવિંગ વોકની નિયમિત તપાસ અને સર્વિસિંગ ફરજિયાત કરવામાં આવી છે. બિલ્ડિંગ મેનેજમેન્ટે તપાસના રિપોર્ટનો રેકોર્ડ રાખવો પડશે. આ ઉપરાંત, લિફ્ટનું સેફ્ટી ઓડિટ કરાવી તેનો રિપોર્ટ ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર પાસે જમા કરાવવો પડશે.
દરેક લિફ્ટ અને એસ્કેલેટરની વર્ષમાં ઓછામાં ઓછી એક વખત સુરક્ષા તપાસ કરાવવી અનિવાર્ય છે.લિફ્ટમાં અકસ્માત થાય તો 24 કલાકની અંદર સંબંધિત અધિકારીઓને તેની જાણ કરવી પડશે. અકસ્માતનો ભોગ બનેલા લોકોને વળતર આપવાની જોગવાઈ પણ કરવામાં આવી છે. રહેણાક સોસાયટીઓએ જરૂરી સુરક્ષા સુવિધાઓ 28 ઓક્ટોબર 2027 સુધીમાં ઉપલબ્ધ કરાવવાની રહેશે.
‘મહારાષ્ટ્ર લિફ્ટ, એસ્કેલેટર અને મૂવિંગ વોક, 2026’ના નવા નિયમો
– દરેક લિફ્ટમાં CCTV કેમેરા લગાવવો ફરજિયાત.
– દર મહિને લિફ્ટનું સેફ્ટી ઇન્સ્પેક્શન કરાવવું પડશે.
– વર્ષમાં ઓછામાં ઓછું એક વખત સુરક્ષા ઓડિટ ફરજિયાત.
– 12 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકો એકલા લિફ્ટનો ઉપયોગ નહીં કરી શકે.
– 18 વર્ષથી ઓછી ઉંમરની વ્યક્તિ લિફ્ટ ઓપરેટર બની શકશે નહીં.
– લિફ્ટમાં અકસ્માત થાય તો 24 કલાકની અંદર જાણ કરવી પડશે.
– લિફ્ટ કે એસ્કેલેટર અસુરક્ષિત જણાય તો સમારકામ અને જરૂરી ફેરફાર કરવા સૂચના આપી શકાશે.
– નવી લિફ્ટ લગાવતા પહેલાં ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટરની મંજૂરી લેવી પડશે.
– લિફ્ટની જાળવણી માટે માન્યતા પ્રાપ્ત કોન્ટ્રાક્ટરની નિમણૂક કરવી પડશે.
નવા નિયમો હેઠળ હવે લિફ્ટની સુરક્ષા અને જાળવણીની જવાબદારી સોસાયટી મેનેજમેન્ટની રહેશે.






