આજથી રેલવે ટિકિટ બુકિંગનો નિયમ બદલાયો, જનરલ ટિકિટ માટે ફોટો ID ફરજિયાત

નવી દિલ્હી: ભારતીય રેલવે દ્વારા મુસાફરીને વધુ સુવિધાજનક અને ટિકિટિંગ સિસ્ટમને સંપૂર્ણ પારદર્શક બનાવવા માટે બે અત્યંત મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે. 15 જુલાઈથી આઈ.આર.સી.ટી.સી. (IRCTC)ની નવી અપડેટેડ વેબસાઈટ અને એપ્લિકેશન કાર્યરત થઈ રહી છે, જેનાથી ટિકિટ બુકિંગની પ્રક્રિયા વધુ ઝડપી બનશે. આ સાથે જ ઓનલાઈન જનરલ ટિકિટ ખરીદનારા મુસાફરો માટે પણ એક નવો કડક નિયમ અમલમાં મૂકવામાં આવ્યો છે.

મિનિટોમાં કન્ફર્મ ટિકિટ બુક થશે
15 જુલાઈથી અમલી બનનારા નવા અપડેટ બાદ IRCTC પોર્ટલ પર મુસાફરોને અનેક નવી સુવિધાઓ મળશે. હવે યુઝર્સે ટિકિટ બુક કરતી વખતે વારંવાર પોતાની અંગત વિગતો ભરવાની જરૂર નહીં પડે. સિસ્ટમ એક જ વારમાં ડેટા સેવ કરી લેશે. મુસાફરીના આયોજન વખતે નડતરરૂપ બનતા બિનજરૂરી પોપ-અપ્સ અને વધારાની સ્ક્રીન્સને હટાવી દેવામાં આવી છે.

સૌથી મોટો ફાયદો એ થશે કે તમામ ક્લાસ (સ્લીપર, થર્ડ એસી, સેકન્ડ એસી)ની સીટોની ઉપલબ્ધતા હવે એક જ સ્ક્રીન પર જોઈ શકાશે. ચેકઆઉટ પ્રોસેસને ટૂંકી કરવામાં આવી છે અને કેપ્ચા (Captcha) કોડની જટિલતા પણ ઓછી કરાઈ છે. આ ઉપરાંત ગેરકાયદેસર ઓટોમેટેડ બોટ બુકિંગ પર અંકુશ લાવવા માટે પણ ટેકનિકલ પગલાં લેવાયા છે, જેથી સામાન્ય નાગરિકોને સરળતાથી ટિકિટ મળી શકે.

ઓનલાઈન જનરલ ટિકિટ પર ફોટો આઈડી ફરજિયાત
રેલવેના સત્તાવાર ‘રેલવન’ (RailOne) એપ દ્વારા જનરલ ટિકિટ બુક કરાવનારા મુસાફરો માટે હવે સરકારી ફોટોયુક્ત ઓળખપત્ર (જેમ કે ચૂંટણી કાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ વગેરે) સાથે રાખવું અનિવાર્ય બનશે. જો કે, આ નિયમ રેલવે સ્ટેશનના કાઉન્ટર પરથી રૂબરૂ ખરીદેલી જનરલ ટિકિટ માટે લાગુ પડશે નહીં.

ઓનલાઈન ટિકિટના મામલે મુસાફરી દરમિયાન ઓરિજિનલ ઓળખપત્ર બતાવવું પડશે. રેલવે પ્રશાસને સ્પષ્ટ કર્યું છે કે ટિકિટ માત્ર એ જ મોબાઈલમાં માન્ય ગણાશે જે નંબર પરથી તે બુક કરવામાં આવી છે. વોટ્સએપ પર શેર કરેલી ટિકિટ કે સ્ક્રીનશોટ માન્ય રાખવામાં આવશે નહીં. જો કોઈ મુસાફર બીજાના મોબાઈલમાંથી ટિકિટનો સ્ક્રીનશોટ બતાવશે, તો તેને નિયમ મુજબ ટિકિટ વગરનો મુસાફર (W/T) ગણીને દંડ કરવામાં આવશે.

3% બોનસ સ્કીમ લંબાવવામાં આવી
રેલવે પ્રશાસન તરફથી ઓનલાઈન બુકિંગને પ્રોત્સાહન આપવા માટે ‘RailOne’ એપ્લિકેશનના આર-વોલેટ (R-Wallet) દ્વારા જનરલ ટિકિટ બુક કરવા પર મળતી 3 ટકા બોનસની સુવિધાને લંબાવી દેવામાં આવી છે. આ સ્કીમ હવે 24 ઓગસ્ટ 2028 સુધી ચાલુ રહેશે.

આ નવા ફેરફારોથી ટિકિટના કાળાબજાર અને અનધિકૃત ઉપયોગ પર રોક લગાવી શકાશે. રેલવે વિભાગે તમામ મુસાફરોને સલાહ આપી છે કે ઓનલાઈન જનરલ ટિકિટ બુક કર્યા પછી પોતાનું મૂળ ઓળખપત્ર હંમેશા સાથે રાખવું જેથી મુસાફરી દરમિયાન કોઈ મુશ્કેલી ન પડે.