નવી દિલ્હીઃ શિયાળાની ઋતુ આવવામાં હજુ સમય છે, પરંતુ દિલ્હીમાં શિયાળામાં વધતા પ્રદૂષણને કાબૂમાં લેવા માટે સરકાર અત્યારથી જ તૈયારીઓમાં લાગી ગઈ છે. સરકારે પોતાના વિન્ટર એન્ટી-પોલ્યુશન પ્લાન વિશે માહિતી આપી છે. આ યોજના દર વર્ષે પહેલી નવેમ્બરથી 28 ફેબ્રુઆરી સુધી અમલમાં રહેશે અને GRAP (ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન) સાથે સંકલન કરીને કામ કરશે.
પ્રદૂષણ પ્રમાણપત્ર વગર પેટ્રોલ-ડીઝલ નહીં મળે
આ યોજના હેઠળ જે વાહનમાલિકો પાસે માન્ય પોલ્યુશન અન્ડર કન્ટ્રોલ (PUC) પ્રમાણપત્ર નહીં હોય અથવા જેનું પ્રમાણપત્ર સમયમર્યાદા પૂરી થઈ ગઈ હશે, તેમને દિલ્હીના કોઈ પણ પેટ્રોલ પંપ પર ઇંધણ આપવામાં નહીં આવે. આ ઉપરાંત ટ્રાફિક નિયંત્રણ માટે પાર્કિંગ લોટમાં પાર્કિંગ ફી બમણી કરવામાં આવી શકે છે, જેથી લોકો ખાનગી વાહનોને બદલે જાહેર પરિવહનનો વધુ ઉપયોગ કરે.
નોન-BS-6 કોમર્શિયલ ગાડીઓને પ્રવેશ નહીં
આ યોજના અંતર્ગત દિલ્હીની બહારની નોન-BS-6 કોમર્શિયલ વાહનોને રાજધાનીમાં પ્રવેશ કરવાની મંજૂરી નહીં મળે. જોકે CNG વાહનો, ઇલેક્ટ્રિક વાહનો, ઇમરજન્સી સેવાઓ તથા સરકારી વાહનોને આ નિયમમાંથી મુક્તિ આપવામાં આવશે.
ઓફિસોમાં 50 ટકા વર્ક ફ્રોમ હોમની વ્યવસ્થા
આ સમયગાળા દરમિયાન સરકારી અને ખાનગી ઓફિસોમાં 50 ટકા કર્મચારીઓ માટે વર્ક ફ્રોમ હોમની વ્યવસ્થા અમલમાં આવવાની શક્યતા છે. આ ઉપરાંત ઓફિસોના ખૂલવા અને બંધ થવાના સમયમાં ફેરફાર કરવામાં આવી શકે છે, જેથી પિક અવર્સ દરમિયાન ટ્રાફિકનું દબાણ ઘટાડી શકાય.
બાંધકામ માટે પણ કડક નિયમો
બાંધકામ પ્રવૃત્તિઓથી હવામાં ધૂળના કણો ફેલાતા હોવાથી કન્સ્ટ્રક્શન સંબંધિત નિયમો વધુ કડક બનાવવામાં આવી શકે છે. મોટી બાંધકામ સાઇટ્સ અને કોમર્શિયલ ઇમારતોમાં એન્ટી-સ્મોગ ગન અને મિસ્ટ સપ્રેશન સિસ્ટમ લગાવવી ફરજિયાત બની શકે છે. ઉપરાંત બાંધકામ સામગ્રી લઈ જતી ગાડીઓની અવરજવર પર પણ નિયંત્રણ મૂકવામાં આવી શકે છે.

કચરો સળગાવનારાઓ સામે દંડાત્મક કાર્યવાહી
આરડબ્લ્યુએ (RWA), સંસ્થાઓ અને કોન્ટ્રેક્ટરોને ખાતરી કરવી પડશે કે તેમના વિસ્તારમાં ખુલ્લામાં કચરો, સૂકાં પાંદડા અથવા પ્લાસ્ટિક સળગાવવામાં ન આવે. નિયમોના પાલન માટે સરકાર મેદાની તપાસ ઉપરાંત ડ્રોન સર્વેલન્સનો પણ ઉપયોગ કરી શકે છે. નિયમોનો ભંગ કરનારાઓ સામે પર્યાવરણ સંબંધિત દંડ અને અન્ય કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.





