નવી દિલ્હીઃ નેશનલ હાઇવેઝ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI)ના ટોલ પ્લાઝા પર ગેરકાયદે સોફ્ટવેરનો ઉપયોગ કરીને ખોટી રસીદો બનાવી કરોડો રૂપિયાની ઉચાપત કરવાને મામલે EDએ બુધવારે મોટી કાર્યવાહી કરી છે. કેન્દ્રીય તપાસ એજન્સીએ મની લોન્ડરિંગ પ્રિવેન્શન એક્ટ (PMLA)ની કલમ 17 હેઠળ દેશનાં સાત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં લગભગ 14 સ્થળો પર દરોડા પાડ્યા હતા. EDના લખનૌ ઝોનલ કાર્યાલય દ્વારા બે પોલીસ FIRની નોંધ લેવામાં આવ્યા બાદ આ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

કયાં-કયાં રાજ્યોમાં દરોડા ચાલી રહ્યા છે?
EDના લખનૌ ઝોનલ કાર્યાલયની ટીમે ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, જમ્મુ-કાશ્મીર, મધ્ય પ્રદેશ, દિલ્હી-NCR અને પશ્ચિમ બંગાળમાં 14 સ્થળો પર એકસાથે દરોડા પાડ્યા છે. બે પોલીસ FIRને આધારે આ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. FIRમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે NHAIના વિવિધ ટોલ પ્લાઝા પર અનધિકૃત સોફ્ટવેર અને એપ્લિકેશનનો ઉપયોગ કરીને ખોટી ટોલ રસીદો બનાવવામાં આવી રહી હતી. તેના દ્વારા ટોલમાંથી મળતી રકમને NHAIની સત્તાવાર એકાઉન્ટિંગ સિસ્ટમથી બહાર ડાયવર્ટ કરવામાં આવતી હોવાનો પણ આરોપ છે. NHAIના આંતરિક રેકોર્ડ અને ટેક્નિકલ ફોરેન્સિક તપાસમાં સરકારી આવકને નુકસાન પહોંચાડવા માટે સમાંતર સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાની પુષ્ટિ થઈ છે.

મની ટ્રેલ અને મુખ્ય લાભાર્થીઓની શોધમાં ED
EDના અધિકારીઓના જણાવ્યાનુસાર આ દરોડાનો મુખ્ય ઉદ્દેશ ગેરકાયદે કમાણીના લાભાર્થીઓ (Beneficiaries)ની ઓળખ કરવી, નાણાકીય વ્યવહારોની ‘મની ટ્રેલ’ (Money Trail) શોધવી અને ગુનાથી મેળવેલી સંપત્તિ (Proceeds of Crime)ને જપ્ત કરવી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે સ્થળો પરથી મોટી સંખ્યામાં ઇલેક્ટ્રોનિક ઉપકરણો, સર્વર ડેટા, નાણાકીય દસ્તાવેજો અને બેંક ખાતાઓ સાથે જોડાયેલી માહિતી જપ્ત કરવામાં આવી રહી છે. આ મામલે વધુ ધરપકડો અને નવા ખુલાસા થવાની શક્યતા છે.




