દુબઈથી ઉડાન ભરેલી ‘ફ્લાયદુબઈ’ (flydubai) ની ફ્લાઈટ FZ1073 માં હવામાં જ કોકપીટની અંદર ભારતીય પાઈલટ પર થયેલા ભયાનક હુમલા અને વિમાનને ક્રેશ કે હાઈજેક કરવાની કોશિશના આંચકાજનક કેસની તપાસ કેન્દ્ર સરકારે દેશની મુખ્ય એન્ટી-ટેરર એજન્સી નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) ને સોંપી દીધી છે. NIA એ આ સમગ્ર મામલે ‘એન્ટી હાઈજેકિંગ એક્ટ 2016’ ની કલમ 3 અને ‘ગેરકાયદાકીય પ્રવૃત્તિઓ અટકાયત અધિનિયમ’ (UAPA) 1967 ની ગંભીર કલમો હેઠળ એફઆઈઆર (FIR) દાખલ કરીને સઘન આંતરરાષ્ટ્રીય તપાસ શરૂ કરી છે.

શું ઘટી હતી ઘટના?
ગત 30 September ના રોજ ફ્લાયદુબઈની ફ્લાઈટ FZ1073 કુલ 174 મુસાફરો અને 6 ક્રૂ મેમ્બર્સને લઈને દુબઈથી રવાના થઈ હતી. વિમાનનું સંચાલન મુખ્ય ભારતીય નાગરિક કેપ્ટન સ્મિત મચ્છાર અને ઓમાનના ફર્સ્ટ ઓફિસર (કો-પાઈલટ) કરી રહ્યા હતા. યાત્રા દરમિયાન અચાનક ઓમાની કો-પાઈલટે કેપ્ટન સ્મિત મચ્છાર પર ઘાતક શસ્ત્ર વડે હુમલો કરી દીધો હતો. હુમલાના કારણે કેપ્ટન મચ્છારના માથા અને હાથના ભાગે ઊંડા ઘા વાગ્યા હતા. FIR માં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ હુમલો વિમાનને હાઈજેક કરવાનો અથવા તેને સીધું ક્રેશ કરવાનો એક સુઆયોજિત પ્રયાસ હતો.

યાત્રીઓ અને ક્રૂ મેમ્બર્સે ઉગારી લીધી જાન
હુમલાની ગંભીરતા જોતા મુસાફરો અને ફ્લાઈટમાં હાજર અન્ય ક્રૂ મેમ્બર્સે ભારે હિંમત દર્શાવીને હુમલાખોર કો-પાઈલટને કાબૂમાં લીધો હતો. તે જ સમયે વિમાનમાં મુસાફરી કરી રહેલા અન્ય ફ્લાયદુબઈ પાઈલટોએ સ્થિતિ સંભાળીને કોકપીટનો કંટ્રોલ પોતાના હાથમાં લીધો હતો. ત્યારબાદ વિમાનને ઉત્તર-પશ્ચિમ સાઉદી અરેબિયાના પ્રિન્સ સુલતાન બિન અબ્દુલઅઝીઝ એરપોર્ટ (તબૂક) ખાતે સવારે 10:45 વાગ્યે ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. લેન્ડિંગ થતાની સાથે જ સાઉદી સુરક્ષા અધિકારીઓએ આરોપી કો-પાઈલટની ધડપકડ કરી લીધી હતી.
કેન્દ્ર સરકારે શા માટે સોંપી NIA ને તપાસ?
કેન્દ્ર સરકારને જ્યારે આ આંતરરાષ્ટ્રીય ઘટનાક્રમ અને ભારતીય નાગરિક પર થયેલા હુમલાની માહિતી મળી, ત્યારે વિશ્લેષણ બાદ તારણ કાઢવામાં આવ્યું કે આ ગુનો સામાન્ય વિવાદ નથી પરંતુ ‘એન્ટી-હાઈજેકિંગ એક્ટ’ અને ‘UAPA’ નો ગંભીર મામલો છે. NIA એક્ટની કલમ 8 અને કલમ 6 ની ઉપકલમો (5) અને (8) નો ઉપયોગ કરીને ગૃહ મંત્રાલયે એજન્સીને કેસ દાખલ કરવા અને આંતરરાષ્ટ્રીય ષડયંત્રનો પર્દાફાશ કરવા સૂચના આપી છે. દેશની સુરક્ષા એજન્સીઓ આ પાછળ કોઈ મોટા ત્રાસવાદી સંગઠન કે આંતરરાષ્ટ્રીય ષડયંત્રનો હાથ છે કે કેમ તેની ઊંડાણપૂર્વક તપાસ કરશે.




