હિમાલય કરતાં પણ ઊંચા છે 8 વર્ષની નિક્ષાના સપના, સર કર્યો એવરેસ્ટ બેઝ કેમ્પ

પાલનપુર: ગુજરાતની 8 વર્ષની નિક્ષા બારોટે વિશ્વપ્રસિદ્ધ માઉન્ટ એવરેસ્ટ બેઝ કેમ્પ (Everest Base Camp) ટ્રેક સફળતાપૂર્વક પૂર્ણ કરીને નોંધપાત્ર સાહસિક સિદ્ધિ નોંધાવી છે. એવરેસ્ટર નિશાના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ અભિયાનમાં માત્ર નિક્ષા (Niksha Barot)એ ભાગ લીધો હતો. 16 મેથી શરૂ થયેલી યાત્રા દરમિયાન નિક્ષાએ લુકલાથી શરૂ કરીને હિમાલયના કઠિન માર્ગો, ઊંચાઈના પડકારો, ઠંડી અને બદલાતા હવામાન વચ્ચે ટ્રેક પૂર્ણ કર્યો હતો. નિક્ષાના પિતા નિલેશભાઈ બારોટે જણાવ્યું હતું કે, બેઝ કેમ્પ પર પહોંચીને તેણે યોગ કર્યો અને રાષ્ટ્રગાન ગાઈ દેશભક્તિનો સંદેશ પણ આપ્યો હતો.16 મે 2026ના રોજ કાઠમંડુથી લુકલા પહોંચ્યા બાદ ટ્રેકની શરૂઆત થઈ હતી. પ્રથમ દિવસે પાખડિંગ, ત્યારબાદ નામચે બજાર સુધીની યાત્રા અને એક દિવસ શરીરને ઊંચાઈ માટે અનુકૂળ બનાવવાની પ્રક્રિયા રાખવામાં આવી હતી. ત્યારબાદ ટેંગબોચે, ડિંગબોચે, લોબુચે અને ગોરક્ષેપ થઈ અંતે 22 મેના રોજ એવરેસ્ટ બેઝ કેમ્પ સુધી નિક્ષા અને તેનાં ટ્રેનર પહોંચ્યા હતા.લુકલા ખાતે આશરે 2,860 મીટરથી શરૂ થયેલી આ યાત્રા બેઝ કેમ્પના આશરે 5,364 મીટર સુધી પહોંચી હતી. એટલે કે માત્ર એક સપ્તાહમાં  17,598 ફૂટથી વધુની ઊંચાઈ પર પહોંચવાનો અનોખો પ્રયાસ કરવામાં આવ્યો.

 

View this post on Instagram

 

A post shared by Chitralekha (@chitralekha.in)

સમગ્ર અભિયાન અંદાજે 130 કિલોમીટરથી વધુનું રહ્યું છે. ટ્રેક દરમિયાન માઈનસ ડિગ્રી ઠંડી, ઓક્સિજનની ઓછી માત્રા, પથ્થરીલા રસ્તા, ગ્લેશિયર વિસ્તાર અને લાંબા સમય સુધી ટ્રેકિંગ જેવા પડકારો સામે આવ્યા હતા.અભિયાનની વિશેષતા એ પણ રહી કે નિક્ષાએ બેઝ કેમ્પ પર યોગ કરીને “Save Nature, Save Himalayas”, “Every Child Should Plant a Tree” અને “Fit India, Green India” જેવા સંદેશો આપ્યા હતા. દરમિયાન રાષ્ટ્રગાન ગાયને દેશભક્તિનો માહોલ સર્જી દીધો હતો.નિક્ષા બારોટ અગાઉ પણ સાહસિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલી રહી છે. તેના પિતા નીલેશ બારોટે જણાવ્યું કે માત્ર 6 વર્ષની ઉંમરે તેણે કેદારકાંઠા ટ્રેક પૂર્ણ કર્યો હતો. ત્યારબાદ તેણે અરુણાચલ પ્રદેશથી ગુજરાત સુધી અંદાજે 4556 કિમીની “Pedal to Plant” સાયકલ યાત્રામાં ભાગ લઈને વૃક્ષારોપણ અને પર્યાવરણ જાગૃતિનો સંદેશ ફેલાવ્યો હતો. આ કામગીરી બદલ 26 જાન્યુઆરી 2026ના રોજ તેને જિલ્લા સ્તરે સન્માનિત કરવામાં આવી હતી. એવરેસ્ટ બેઝ કેમ્પ ટ્રેક હવે તેની સાહસિક સફરમાં વધુ એક મહત્વપૂર્ણ પડાવ બન્યો છે.
8 વર્ષની નાની ઉંમરે જ્યાં બાળકો રમકડાં અને મોબાઈલની દુનિયામાં વ્યસ્ત હોય છે, ત્યાં નિક્ષાએ હિમાલયના કઠિન શિખરો પર ભારતનું ગૌરવ વધાર્યું છે. માઈનસ ડિગ્રી તાપમાન અને હાડથીજવતી ઠંડી વચ્ચે પણ તેનો ઉત્સાહ ડગ્યો નહીં.એવરેસ્ટ બેઝ કેમ્પ પર ગુંજેલું ભારતનું રાષ્ટ્રગાન અને પર્યાવરણ બચાવવાનો તેનો સંદેશ એ વાતની સાબિતી છે કે સંકલ્પ જો મક્કમ હોય, તો ઉંમર ક્યારેય બાધક બનતી નથી. નિક્ષાની આ અદભુત સિદ્ધિ આજે દેશના લાખો બાળકો અને યુવાનો માટે પ્રેરણાનો સ્ત્રોત બની ગઈ છે. ગુજરાતની આ નાનકડી ‘માઉન્ટેન ગર્લ’ને સલામ!