નવી દિલ્હીઃ ભાજપે તમામ અટકળોને વિરામ આપતાં બિહારના ધારાસભ્ય નીતિન નબીનને રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ બનાવ્યા છે. માનવામાં આવી રહ્યું હતું કે જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને ભાજપ પછાત વર્ગ અથવા દલિત સમુદાયમાંથી કોઈને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવશે, પરંતુ સૌને આશ્ચર્યમાં મૂકતાં કાયસ્થ જાતિમાંથી આવતા નીતિન નબીનને પાર્ટીની કમાન સોંપવામાં આવી છે.
દેશભરમાં કાયસ્થોની વસ્તી અંદાજે 2.5થી 3 કરોડ હોવાનું માનવામાં આવે છે, જે કુલ વસ્તીના આશરે 2થી 2.5 ટકા જેટલી છે. ઉત્તર પ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળમાં તેમની મોટી વસ્તી છે અને તેમનો રાજકીય પ્રભાવ પણ નોંધપાત્ર રહ્યો છે.
Amit Shah, J P Nadda, other leaders present as Nitin Nabin arrives at BJP headquarters to take charge as party’s national working president
— Press Trust of India (@PTI_News) December 15, 2025
ભાજપના નવનિયુક્ત રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ અને બિહાર સરકારના મંત્રી નીતિન નબીન દિલ્હી પહોંચ્યા છે. એરપોર્ટ પર દિલ્હીના CM રેખા ગુપ્તા, દિલ્હી ભાજપના અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવા અને ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડે સહિત અન્ય નેતાઓએ તેમનું સ્વાગત કર્યું હતું. ત્યાર બાદ નીતિન નબીન દિલ્હી સ્થિત ભાજપના મુખ્યાલય પહોંચ્યા, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ગૃહ મંત્રી અમિત શાહ, જે.પી. નડ્ડા અને ધર્મેન્દ્ર પ્રધાન સહિત ભાજપના અનેક વરિષ્ઠ નેતાઓએ ભાજપના મુખ્યાલયમાં નીતિન નબીનનું સ્વાગત કર્યું. ભાજપના મુખ્યાલયમાં અમિત શાહ અને જે.પી. નડ્ડાની હાજરીમાં નીતિન નબીને ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીકે પદ સંભાળ્યું.
નીતિન નબીન હાલમાં બિહાર સરકારમાં પથ નિર્માણ અને નગર વિકાસ મંત્રી તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેઓ પટનાની બાંકીપુર બેઠક પરથી 2006ની ઉપચૂંટણી બાદ સતત પાંચ વખત વિધાનસભાની ચૂંટણી જીતતા આવ્યા છે. તેઓ કાયસ્થ સમાજમાંથી આવે છે અને હાલમાં બિહાર મંત્રીમંડળમાં કાયસ્થ સમાજમાંથી એકમાત્ર મંત્રી છે. તેમના પિતા નવીન કિશોર પ્રસાદ સિન્હા પણ ભાજપના પ્રભાવશાળી નેતા હતા. પિતાના અવસાન બાદ નીતિન નબીને તેમની રાજકીય વારસાગાથાને આગળ વધારી છે. માત્ર 45 વર્ષની ઉંમરે ભાજપના કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષની જવાબદારી સંભાળનાર તેઓ સૌથી યુવાન નેતા બન્યા છે.



