એક કરોડ યુવાઓને નોકરી આપવાનો નીતીશ કેબિનેટની બેઠકમાં નિર્ણય

પટનાઃ બિહારમાં નવી સરકારની રચના પછી મંગળવારે પ્રથમ કેબિનેટ બેઠક મળી હતી. આ બેઠકમાં આવતાં પાંચ વર્ષમાં યુવાઓને એક કરોડ નોકરીઓ આપવા નિર્ણય લેવામાં આવ્યો હતો. આ બેઠક બાદ પત્રકારો સાથે વાત કરતાં CM નીતીશકુમારના મુખ્ય સચિવ પ્રત્યય અમૃતે જણાવ્યું હતું કે રોજગારી સર્જન અને ઔદ્યોગિક વિકાસ સરકારની પ્રાથમિકતા છે.

તેમણે કહ્યું હતું કે બિહારને પૂર્વ ભારતનું ‘ટેક હબ’ બનાવવા માટે ડિફેન્સ કોરિડોર, સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ પાર્ક, ગ્લોબલ કેપેસિટી સેન્ટર, મેગા ટેક સિટી અને ફિટનેસ સિટી સ્થાપવામાં આવશે. સરકારે જણાવ્યું હતું કે આ પ્રકલ્પો દ્વારા માત્ર મોટા પાયે રોજગાર જ નહીં, પણ રાજ્યમાં મૂડીરોકાણ અને ઔદ્યોગિક વાતાવરણ પણ મજબૂત બનશે.

તેમણે કહ્યું હતું કે રાજ્યમાં રોજગારની તકો વધારવા અને ઉદ્યોગોના વિસ્તરણને નવી દિશા આપવા માટે ઝડપથી પહેલ થઈ રહી છે. સરકારનો દાવો છે કે વર્ષ 2020થી 2025 વચ્ચે 50 લાખ યુવાઓને સરકારી નોકરી અને રોજગાર ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે, જ્યારે આગામી પાંચ વર્ષ (2025–30) દરમિયાન એક કરોડ યુવાઓને નોકરી અને રોજગાર આપવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે.

તેમણે કહ્યું કે નવી સરકારના ગઠન બાદ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા અને વધુ રોજગારની તક ઊભી કરવા માટેનાં કાર્યોને ગતિ આપવામાં આવી છે. બદલાતા બિહારના વિકાસને મજબૂતી આપવા રાજ્યમાં ટેક્નોલોજી અને સેવા આધારિત નવીનતાને કેન્દ્રમાં રાખીને ‘ન્યુ એજ ઇકોનોમી’ ની રચનાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે.

સાકર મિલોની સ્થાપન પર પણ ફોકસ

મુખ્ય સચિવે જણાવ્યું હતું કે રાજ્યમાં નવી સાકર મિલોની સ્થાપના અને બંધ પડેલી જૂની ખાંડ મિલોને ફરી શરૂ કરવા નીતિ અને કાર્યયોજનાઓ બનાવવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે રાજ્યમાં શહેરીકરણને પ્રોત્સાહન આપવા માટે નવ પ્રમંડલીય શહેરો ઉપરાંત સોનપુર અને સીતામઢીમાં ‘ગ્રીન ટાઉનશિપ’ બનાવવામાં આવશે.