ના પહેલાં ડર્યો હતો, ના હવે ડરીશઃ સુખબીર બાદલ

નાંદેડઃ શિરોમણી અકાલી દળ (બાદલ)ના અધ્યક્ષ સુખબીર સિંહ બાદલને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. ગુરુવારે મહારાષ્ટ્રના નાંદેડ સ્થિત માતા સાહિબ ગુરુદ્વારામાં તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં તેમના હાથમાં ઈજા થઈ હતી. ત્યાર બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સુખબીર બાદલ તે સમયે તેમનાં પત્ની અને ભઠિંડાથી સાંસદ હરિસિમરત કૌર બાદલ તથા પરિવારના અન્ય સભ્યો સાથે તેઓ ગુરુદ્વારા સાહિબમાં નમન કરવા પહોંચ્યા હતા.

હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ નાંદેડમાં પત્રકારો સાથે વાતચીત દરમિયાન તેમણે કહ્યું હતું કે તેમના પર બે વખત હુમલો થઈ ચૂક્યો છે અને બંને વખત પવિત્ર ધાર્મિક સ્થળોએ હુમલો કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું હતું કે એક હુમલો પહેલાં સુવર્ણ મંદિર ખાતે થયો હતો અને આ વખતે હજૂર સાહિબમાં થયો છે. બાદલે કહ્યું હતું કે જેના માથા પર ગુરુ સાહિબનો હાથ હોય, તેના પર કોઈ આંચ આવી શકે નહીં.

પંજાબનો માહોલ ખરાબ નહીં થવા દઈએ

બાદલે કહ્યું હતું કે કેટલાક લોકો પંજાબનો માહોલ ખરાબ કરવા માગે છે, પરંતુ અકાલી દળના અધ્યક્ષ તરીકે તેઓ આવું બિલકુલ થવા નહીં દે. તેમણે કહ્યું હતું કે તેમના પિતા પ્રકાશ સિંહ બાદલે પણ આ જ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે દેશ અને પંજાબની અમન-શાંતિના દુશ્મનોએ ઘણી કોશિશ કરી, પરંતુ ગુરુ ગોવિંદ સિંહ મહારાજે તેમને બચાવી લીધા. તેમણે કહ્યું હતું કે ન હું ડરું છું, ન હું ડર્યો છું. હું એટલું કહેવા માગું છું કે શિરોમણી અકાલી દળ પંજાબમાં ભાઈચારા માટે પ્રતિબદ્ધ છે.

રાજકીય પક્ષોએ હુમલાની નિંદા કરી

પંજાબમાં શિરોમણી અકાલી દળ, આમ આદમી પાર્ટી, કોંગ્રેસ, ભાજપ સહિત અનેક રાજકીય પક્ષો અને નેતાઓએ સુખબીર બાદલ પર થયેલા હુમલાની નિંદા કરી છે.