આત્મહત્યા કરવા યુવક 43મા માળેથી કુદયો, શરીરના બે ટુકડા થયા

નોઈડા: સેક્ટર 94 સ્થિત સુપરનોવા સોસાયટીમાં એક અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે. માનેસરના રહેવાસી 35 વર્ષીય સંભવ જૈન નામના યુવકે 43મા માળેથી નીચે કૂદીને આત્મહત્યા કરી લીધી છે. નીચે પટકાતાં જ યુવકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું.

સંભવ શુક્રવારે સુપરનોવા સોસાયટીના એક એરબીએનબી (Airbnb) ફ્લેટમાં રોકાયો હતો અને શનિવારે તેનો ચેક-આઉટ કરવાનો સમય હતો. ચેક-આઉટ કરતા પહેલા તે બાલકનીની બહાર ઊભો રહી ગયો હતો. નજીકના ફ્લેટમાં એસી રિપેર કરી રહેલા ટેકનિશિયનોએ તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ યુવકે તે ડિપ્રેશનમાં હોવાનું કહીને છલાંગ લગાવી દીધી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મૃતક દેવાના બોજ અને નાણાકીય સમસ્યાઓથી પરેશાન હતો. આત્મહત્યા કરતા પહેલા તેણે તેના પિતાને વ્હોટ્સએપ (WhatsApp) પર મેસેજ મોકલીને જણાવ્યું હતું કે તે હવે જીવવા નથી માગતો અને આ નિર્ણય માટે તે જાતે જ જવાબદાર છે. પોલીસે મૃતદેહને કબજે કરી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને આગળની તપાસ હાથ ધરી છે.