કોંગ્રેસ સરકારમાં ઉત્તર-પૂર્વની સદંતર અવગણના કરવામાં આવીઃ PM મોદી

નવી દિલ્હીઃવડા પ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે 5100 કરોડ રૂપિયાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું અનાવરણ કરવા અરુણાચલ પ્રદેશ પહોંચ્યા છે. તેમણે શિયોમી જિલ્લામાં બે મહત્વપૂર્ણ જલવિદ્યુત પ્રોજેક્ટ્સ અને તવાંગમાં એક કન્વેન્શન સેન્ટરની પાયાની શિલા વર્ચ્યુઅલ માધ્યમથી મૂકી. PM સવારે હોલોંગીના ડોનઈ પોલો એરપોર્ટ પર ઊતરીને હેલિકોપ્ટર મારફતે ઇટાનગર સ્થિત રાજ્યપાલ ભવન માટે રવાના થયા હતા.

PMએ 1290 કરોડ રૂપિયાથી વધુના અનેક અન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું પણ લોકાર્પણ કર્યું હતું, જે કનેક્ટિવિટી, હેલ્થકેર અને અગ્નિ સુરક્ષા સહિતનાં વિવિધ ક્ષેત્રો સાથે સંબંધિત છે. આ પ્રસંગે રાજ્યપાલ કે.ટી. પરનાઈક, CM પેમા ખાંડુ અને કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી કિરણ રિજિજુ પણ હાજર હતા. વડા પ્રધાને કહ્યું હતું કે આજે જે પ્રોજેક્ટ્સની શરૂઆત થઈ છે તે ડબલ એન્જિન સરકારના દોઢા લાભનું ઉદાહરણ છે.

તેમણે કહ્યું હતું કે અરુણાચલની મારી યાત્રા વિશેષ બની ગઈ છે. નવરાત્રિના પહેલા દિવસે મને એટલા સુંદર પર્વતો જોવા મળ્યા. આજે આગામી પેઢીના GST સુધારાઓ લાગુ થયા છે. GST બચત ઉત્સવ શરૂ થઈ ગયો છે. અરુણાચલને વીજળી, આરોગ્ય, પર્યટન અને અનેક અન્ય ક્ષેત્રોની યોજનાઓ આપવામાં આવી છે.

અરુણાચલનો પહેલો રંગ કેસરિયો –મોદી

ઇટાનગરમાં તેમણે કહ્યું હતું કે જેમ તિરંગાનો પહેલો રંગ કેસરિયો છે, તેમ જ અરુણાચલનો પહેલો રંગ કેસરિયો છે. આ ભૂમિ વીરતાની ભૂમિ છે. અહીં દરેક વ્યક્તિ સાહસ અને શાંતિનું પ્રતીક છે. તેમણે કહ્યું હતું  કે અરુણાચલ પ્રદેશ જ એ જગ્યા છે જ્યાં સૂર્યનાં કિરણો સૌપ્રથમ પડે છે, પરંતુ ઝડપી વિકાસનાં કિરણો અહીં પહોંચવામાં ઘણા દાયકાઓ લાગી ગયા, ત્યારે દિલ્હીથી દેશ ચલાવનારા લોકો ઘણી વાર અરુણાચલની અવગણના કરતા. કોંગ્રેસ જેવી પાર્ટીઓને લાગતું હતું કે અહીં લોકો ઓછા છે અને લોકસભાની ફક્ત બે બેઠકો છે તો અરુણાચલ પર ધ્યાન કેમ આપવું? કોંગ્રેસની આ જ માનસિકતાએ અરુણાચલ અને ઉત્તર-પૂર્વને ઘણું નુકસાન પહોંચાડ્યું છે.