આ આશ્રય ગૃહ છે, ભિક્ષુક ગૃહ નથી..

અમદાવાદ: શહેરમાં રોજગાર માટે અંતરિયાળ ગામડાં કે બીજા રાજ્યોમાંથી હજારો લોકો સ્થળાંતર કરતાં હોય છે. મોટા શહેરોમાં ધંધા-રોજગાર મેળવવાની સાથે કેટલાંક લોકો સારા ભણતર કે સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપવા માટે આવે છે. બધાં લોકો ગેસ્ટ હાઉસ, પી.જી., હોટેલ કે ફ્લેટ રાખી ભાડે રહી શકે એવી આર્થિક સ્થિતિ ધરાવતા હોતા નથી. આ સિવાય પણ ઘણાં લોકોને ઘર જ હોતું નથી… એવાં લોકોના રહેવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં ઘણાં આશ્રય ગૃહ બનાવ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જગ્યાઓ પર નવા બનેલા ઓવરબ્રિજ નીચે ઘર વિહોણા માટે આશ્રય ગૃહ બન્યા છે. જેને ઘર ન હોય એવા લોકોને વિના મૂલ્યે રહેવાની સુવિધા આપવામાં આવે છે. પરંતુ આ આશ્રય ગૃહોને સંચાલન કરતાં સંચાલકોને ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આશ્રય સ્થાનોમાં ગુનાઇત પ્રવૃત્તિઓ ન થાય એનું તો ધ્યાન રાખવાનું જ એની સાથે સૌથી મોટો પડકાર છે..આ સ્થળને આસપાસના લોકો ભિક્ષુકગૃહ સમજી બેસે છે..

અમદાવાદના વસ્ત્રાપુર આઇ.આઇ.એમ પાસે બ્રિજ નીચે તો એક આશ્રયગૃહ તરફથી એક બોર્ડ લગાડવું પડ્યું છે..જેમાં લખ્યું છે..

‘ આ ભિક્ષુકગૃહ નથી અહીં ભિક્ષા આપવાની મનાઇ છે. ભિક્ષાને પ્રોત્સાહન આપવું એ ગુનો છે. The Bombay Prevention of begging Act,1959..’આવું બોર્ડ લગાડવાનું કારણ 132 ફૂટ રિંગ રોડ, વસ્ત્રાપુર જેવો આસપાસનો પોશ વિસ્તાર..અહીંથી પસાર થતાં મદદની ભાવના ધરાવતા લોકો નાસ્તો-ભોજન, કપડાં, પૈસા કે અન્ય ચીજ-વસ્તુઓ આશ્રયગૃહ રોડ પર જ હોવાથી  આપતા જાય છે. આ આશ્રયગૃહની પરિસ્થિતિ એવી છે કે અંદર જગ્યા હોવા છતાંય ભિક્ષુકવૃત્તિ ધરાવતાં અસંખ્ય લોકો બહાર ફૂટપાથ પર જ પડ્યા રહે છે. પોશ વિસ્તાર, બ્રિજ ઉપર અને રિંગ રોડ પર ચોવીસ કલાક ટ્રાફિકની અવર-જવર, પોલીસની ઉપસ્થિતિ, ભિક્ષાવૃત્તિ અટકાવવાના પાટિયાં છતાંય ભિખારીઓ રોડ વચ્ચે અહીંથી તહીં રઝળતાં હોય છે.

(પ્રજ્ઞેશ વ્યાસ-અમદાવાદ)