કોલકાતાઃ પશ્ચિમ બંગાળનાં ભૂતપૂર્વ મુખ્ય મંત્રી મમતા બેનરજીના ભત્રીજા અને તૃણમૂલ કોંગ્રેસના સાંસદ અભિષેક બેનરજીના ઘરે કોલકાતા પોલીસ પહોંચી હતી. તેમના ઘરની બહાર ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સોમવારે પોલીસ અભિષેક બેનર્જીના 188A હરીશ મુખર્જી રોડ સ્થિત નિવાસસ્થાને પહોંચી હતી. કહેવામાં આવી રહ્યું છે કે કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશન (KMC) દ્વારા જારી કરાયેલા નોટિસ બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી. અભિષેક બેનર્જીને ઘરમાં ગેરકાયદે બાંધકામ અંગે નોટિસ આપવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ બેનર્જીના ઘરે CCTV કેમેરાની દેખરેખ માટે ત્રણ ટીવી સેટ લગાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત સુરક્ષા માટે ઉપયોગમાં લેવાતા અન્ય સાધનો પણ ત્યાં હતા. કોલકાતા પોલીસની એક ટીમ આજે આ તમામ સાધનોને દૂર કરવા માટે તેમના ઘરે પહોંચી હતી.
17 મિલકતોને લઈને નોટિસ જારી
કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ અભિષેક બેનર્જીની માલિકી અથવા સહ-માલિકી ધરાવતી અનેક મિલકતો અંગે તપાસ શરૂ કરી હતી. આ અંતર્ગત તેમની 17 મિલકતોને લઈને નોટિસ જારી કરવામાં આવી હતી. ત્યાર બાદ અભિષેક બેનર્જીએ ગેરકાયદે બાંધકામ સંબંધિત નોટિસનો જવાબ આપવા માટે વધુ સમય માગતો પત્ર લખ્યો હતો.
આ નોટિસોની નકલ સંબંધિત મિલકતોની દીવાલો પર પણ ચોંટાડવામાં આવી છે. ડાયમંડ હાર્બરના સાંસદ અભિષેક બેનર્જીનાં બે નિવાસસ્થાન — 188A હરીશ મુખર્જી રોડ અને નજીકમાં આવેલું 121 કાલીઘાટ રોડ — બંને KMCની તપાસ હેઠળ છે. હરીશ મુખર્જી રોડ સ્થિત મિલકત મામલે ‘લીપ્સ એન્ડ બાઉન્ડ્સ પ્રાઇવેટ લિમિટેડ’ નામની એક કોર્પોરેટ સંસ્થાને પણ નોટિસ આપવામાં આવી છે, જેની માલિકી બેનર્જી પરિવાર પાસે હોવાનું કહેવાય છે.




