નવી દિલ્હીઃ ઓડિશામાં સ્કૂલના વિદ્યાર્થીઓનાં પાઠ્યપુસ્તકોમાં સામે આવેલી અનેક ગંભીર ભૂલોને લઈને રાજકીય વિવાદ સતત વધી રહ્યો છે. હવે રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી અને ઓડિશા વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા નવીન પટનાયકે સ્કૂલ અને જનશિક્ષણ મંત્રી નિત્યાનંદ ગોંડના રાજીનામાની માગ કરી છે. તેમનું કહેવું છે કે જ્યારે બાળકોના શિક્ષણ સાથે જોડાયેલા એટલા મહત્વના મુદ્દામાં વારંવાર બેદરકારી સામે આવી રહી છે, ત્યારે તેની જવાબદારી શિક્ષણ મંત્રીએ સ્વીકારવી જોઈએ.
નવીન પટનાયકે શું કહ્યું?
તેમણે જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક સમયથી ઓડિશાની સરકારી સ્કૂલોમાં ભણાવવામાં આવતાં અનેક પુસ્તકોમાં તથ્યાત્મક અને ભાષાકીય ભૂલો જોવા મળી છે. તેમના અનુસાર આવી ભૂલો બાળકોના શિક્ષણ પર સીધી અસર કરે છે અને ભવિષ્યમાં ગેરસમજ ઊભી કરી શકે છે. તેમણે વધુમાં કહ્યું હતું કે શિક્ષણ વ્યવસ્થામાં જવાબદારી નક્કી થવી અત્યંત જરૂરી છે.
તેમણે નિવેદનમાં જણાવ્યું હતું કે રાજ્યના શિક્ષણ મંત્રી નિત્યાનંદ ગોંડે ભૂતપૂર્વ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું ઉદાહરણ અનુસરવું જોઈએ અને પોતાના પદ પરથી રાજીનામું આપવું જોઈએ. તેમણે ઉમેર્યું હતું કે બિજુ જનતા દળ (BJD) છેલ્લાં બે-ત્રણ અઠવાડિયાથી સતત આ મુદ્દો ઉઠાવી રહ્યું છે અને સરકાર પાસેથી કાર્યવાહી કરવાની માગ કરી રહ્યું છે.
વિવાદ શા માટે શરૂ થયો?
તાજેતરમાં ઓડિશાની કેટલીક શાળાનાં પાઠ્યપુસ્તકોમાં વિવિધ પ્રકારની ભૂલો સામે આવી હતી. તેમાં કેટલાંક પુસ્તકોમાં જોડણી (સ્પેલિંગ) સંબંધિત ભૂલો, વ્યાકરણની ભૂલો અને તથ્યાત્મક ખામીઓ જોવા મળી હતી. કેટલાક અધ્યાયોમાં ઐતિહાસિક તથ્યો અને મહત્વપૂર્ણ માહિતી ખોટી રીતે પ્રકાશિત કરવામાં આવી હોવાના આરોપો પણ લાગ્યા હતા.
Watch: @Naveen_Odisha Demands Resignation of Odisha Education Minister Nityanand Gond Over Textbook Errors pic.twitter.com/VkPhxz4OGK
— Soumyajit Pattnaik (@soumyajitt) July 27, 2026
BJDએ લગાવ્યા ગંભીર આરોપો
આ સમગ્ર મામલે બિજુ જનતા દળ સતત સરકાર પર નિશાન સાધી રહ્યું છે. પાર્ટીનો આરોપ છે કે શિક્ષણ વિભાગે પુસ્તકોની યોગ્ય રીતે સમીક્ષા અને ચકાસણી કરી નહોતી, જેને કારણે મોટી સંખ્યામાં ભૂલો ધરાવતાં પુસ્તકો વિદ્યાર્થીઓ સુધી પહોંચી ગયાં. બીજી તરફ, રાજ્ય સરકાર તરફથી પણ આ ભૂલો સુધારવા માટે જરૂરી સુધારાત્મક પગલાં લેવામાં આવશે એવી વાત કહેવામાં આવી છે. હવે સૌની નજર એ બાબત પર છે કે રાજ્ય સરકાર આ વિવાદ અંગે આગળ શું પગલાં ભરે છે અને પાઠ્યપુસ્તકોમાં થયેલી ભૂલોને સુધારવા માટે કેવી કાર્યવાહી કરે છે.




