હવે શુક્ર ગ્રહ પર ભારત મોકલશે ચંદ્રયાન-4 મિશનઃ ઇસરો ચીફ

શ્રીહરિકોટાઃ અંતરિક્ષ ક્ષેત્રમાં ભારત સફળતાની નવી ઊંચાઈઓ સતત સર કરી રહ્યું છે. પોતાનાં નવાં સ્પેસ મિશનો દ્વારા ભારત વિશ્વને બતાવી રહ્યું છે કે અતિ જટિલ અને અદ્યતન ટેક્નોલોજીમાં પણ હવે તે કોઈથી પાછળ નથી. ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક યાનનું સોફ્ટ લેન્ડિંગ કરાવ્યા બાદ હવે ભારત પોતાનાં ચંદ્રયાન-4 મિશનમાં વ્યસ્ત થઈ ગયું છે. ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ISRO)ના ચીફ વી. નારાયણનએ શનિવારે મોટી જાહેરાત કરી હતી.

 ભારત લોન્ચ કરશે ચંદ્રયાન-4 મિશન

નવી દિલ્હીમાં નેશનલ સ્પેસ ડેના પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે ભારત પોતાનું ચંદ્રયાન-4 મિશન લોન્ચ કરશે. આ મિશન શુક્ર ગ્રહ માટેનું ઓર્બિટર મિશન હશે. એટલે કે ભારતીય અંતરિક્ષ યાન શુક્ર ગ્રહની પરિક્રમા કરતાં કરતાં સંશોધન કરશે. ઈસરોના ચેરમેને ભારપૂર્વક જણાવ્યું હતું કે વર્ષ 2035 સુધી ભારત પોતાનું ભારતીય અંતરિક્ષ સ્ટેશન સ્થાપિત કરશે અને આ અંતરિક્ષ સ્ટેશનનું પહેલું મોડ્યુલ પણ 2035માં જ મોકલાશે. તેમણે વધુમાં કહ્યું હતું કે વર્ષ 2040માં ભારત ચંદ્ર પર પગ મૂકશે. આ સફળતા બાદ ભારત ચંદ્ર પર માનવયુક્ત મિશન મોકલનારા દેશોની એલિટ ક્લબમાં સામેલ થશે.

ઇસરોનાં આવનારાં મિશનો વિશેની માહિતી

* ચંદ્રયાન-4 મિશન

* શુક્ર યાન (Venus Orbiter Mission)

* ભારતીય અંતરિક્ષ સ્ટેશન (BAS) 2035 સુધી

* માનવ ચંદ્ર પર ઊતરશે 2040 સુધી

ભારતની અંતરિક્ષ યાત્રામાં મોદીનો ફાળો

ઈસરો પ્રમુખે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વની પ્રશંસા કરી અને શ્રેય આપ્યું હતું કે તેમના પ્રયત્નોથી જ ભારતે પોતાના અંતરિક્ષયાત્રી શુભાંશુ શુક્લાને ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) મોકલ્યો હતો. નારાયણને જણાવ્યું હતું કે વડા પ્રધાનનો વિચાર હતો કે આપણા રોકેટથી ‘ગગનયાત્રી’ મોકલતાં પહેલાં એક જણને ISS મોકલવો જોઈએ. તેમના વિઝનથી જ આ સફળતા મળી. શુક્લા ISS ગયા અને સુરક્ષિત પાછા ફર્યા હતા.