હવે ભારત રશિયા પાસેથી તેલ નહીં ખરીદે, સારું છેઃ ટ્રમ્પ

વોશિંગ્ટનઃ ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ અને ટેરિફ મામલે ચોરે ને ચૌટે ચર્ચાઓ ચાલી રહી છે. એ દરમિયાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે હું સમજું છું કે હવે ભારત રશિયા પાસેથી તેલ નહીં ખરીદે. મેં આવું સાંભળ્યું છે, ખબર નથી કે આ સાચું છે કે નહીં, પણ આ એક સારું પગલું છે. હવે જોઈએ કે આગળ શું થાય છે.

આ પહેલાં ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 25 ટકા ટેરિફ લગાવવાની અને 1 ઓગસ્ટથી દંડ વસૂલવાની જાહેરાત કરી હતી. તેમણે આ પાછળનું કારણ પણ આપ્યું હતું કે ભારત, અમેરિકાનો મિત્ર હોવા છતાં વેપારમાં ક્યારેય ખૂબ સહયોગી રહ્યો નથી. ભારત વિશ્વના સૌથી ઊંચા ટેરિફ લાદનારા દેશોમાંથી એક છે અને ત્યાં નોન-મોનિટરી ટ્રેડ બેરિયર્સ પણ ખૂબ જ જટિલ અને આપત્તિજનક છે. ટ્રમ્પે કહ્યું હતું કે આ જ કારણોસર અમેરિકા અને ભારત વચ્ચે વેપારની લેવડદેવડ ખૂબ મર્યાદિત રહી છે.

છેલ્લા કેટલાક દિવસોમાં ટ્રમ્પે કહ્યું હતું કે યાદ રાખો, ભારત અમારો મિત્ર છે, પણ છેલ્લાં થોડાં વર્ષોમાં આપણે તેના સાથે સીમિત વેપાર કર્યો છે કારણ કે તેના ટેરિફ ખૂબ ઊંચા છે,  દુનિયામાં સૌથી ઊંચા છે. ભારતે હંમેશાં તેનાં મોટા ભાગનાં સૈન્ય ઉપકરણો રશિયા પાસેથી જ ખરીદ્યાં છે અને ચીન સાથે મળીને તે રશિયાનો સૌથી મોટો ઊર્જા ખરીદનાર છે, તે પણ એ સમયે જ્યારે વિશ્વ ઈચ્છે છે કે રશિયા યુક્રેનમાં હત્યાઓ બંધ કરે. બધું સારું નથી, તેથી હવે ભારતે 1 ઓગસ્ટથી 25 ટકા ટેરિફ માટે દંડ ભરવો પડશે.