નવી દિલ્હીઃ મધ્ય પ્રદેશની રાજ્યસભા બેઠક માટે કોંગ્રેસની ઉમેદવાર મીનાક્ષી નટરાજનનું ઉમેદવારી ફોર્મ રિટર્નિંગ ઓફિસર દ્વારા નામંજૂર કરવામાં આવ્યું છે. આ નિર્ણય બાદ કોંગ્રેસે હવે સુપ્રીમ કોર્ટનાં દ્વાર ખટખટાવ્યાં છે. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં કોંગ્રેસે તાત્કાલિક સુનાવણી કરવાની માગ કરી છે. બુધવારે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓના પ્રતિનિધિમંડળે ચૂંટણી પંચ સાથે મુલાકાત કરી હતી. ત્યાર બાદ કોંગ્રેસે આ મામલે સુપ્રીમ કોર્ટનો આશરો લીધો છે.
ચૂંટણી પંચ સમક્ષ આ મામલે સતત ફરિયાદો અને વાંધાઓ નોંધવામાં આવી રહ્યા છે. ગુરુવાર નામ પાછું ખેંચવાની અંતિમ તારીખ છે. આવી સ્થિતિમાં હવે સૌની નજર ચૂંટણી પંચના આગામી પગલાં પર ટકેલી છે. મીનાક્ષી નટરાજનનું ઉમેદવારીપત્ર રદ થયા બાદ કોંગ્રેસે ચૂંટણી પંચ સમક્ષ કડક વાંધો નોંધાવ્યો હતો. આ સંવેદનશીલ મામલે ચૂંટણી પંચ ખૂબ સાવધાનીપૂર્વક આગળ વધી રહ્યો છે. પંચે પોતાના કાનૂની પેનલના વરિષ્ઠ વકીલો સાથે પણ ચર્ચા શરૂ કરી છે.
આ સમગ્ર વિવાદને લઈને કોંગ્રેસમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મંગળવારે મધ્ય પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ જીતુ પટવારીના નેતૃત્વમાં પક્ષના નેતાઓ અને ધારાસભ્યોએ પોતાની એકતા અને શક્તિનું પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસના મોટી સંખ્યામાં નેતાઓ અને ધારાસભ્યો ભોપાલ સ્થિત ચૂંટણી પંચના કાર્યાલય બહાર એકત્રિત થયા હતા. ત્યાં તેમણે ઉમેદવારીપત્ર રદ કરવાના નિર્ણય વિરુદ્ધ જોરદાર ધરણાં-પ્રદર્શન કર્યું અને પંચની કાર્યવાહી પર સવાલો ઉઠાવ્યા હતા.
મધરાતે સુપ્રીમ કોર્ટ પહોંચી કોંગ્રેસ
બુધવારે ચૂંટણી પંચ તરફથી સમયસર કોઈ અંતિમ જવાબ ન મળતાં કોંગ્રેસ ઉમેદવાર મીનાક્ષી નટરાજને હવે કાનૂની લડતનો માર્ગ અપનાવ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ આ મામલો હવે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયો છે. પક્ષની કાનૂની ટીમે ગુરુવારે વહેલી સવારે લગભગ રાત્રે બે વાગ્યે, આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. કોંગ્રેસનું કહેવું છે કે તેમણે ચૂંટણી પંચ સમક્ષ પોતાનો પક્ષ ખૂબ જ મજબૂતીથી રજૂ કર્યો હતો. પરંતુ ઉમેદવારી પાછી ખેંચવાની અંતિમ તારીખ 11 જૂન, ગુરુવાર હોવા છતાં મોડી રાત સુધી પંચ તરફથી કોઈ સ્પષ્ટ જવાબ મળ્યો નહીં. તેથી કોંગ્રેસ ઉમેદવારને મજબૂરીવશ સુપ્રીમ કોર્ટનાં દ્વાર ખટખટાવવાં પડ્યાં છે.






