કોલકાતાઃ TMCમાં બળવો શરૂ કરનાર ઋતબ્રત બેનર્જીએ મોટો દાવો કર્યો છે. તેમના જણાવ્યા મુજબ ધારાસભ્યો અને સાંસદોનું સમર્થન મળ્યા બાદ હવે તેમનું ગઠબંધન ધીમે-ધીમે પાર્ટીના બાકીના વિભાગો પર પણ નિયંત્રણ મેળવવા તરફ આગળ વધશે. ઋતબ્રતને TMCપ્રમુખ મમતા બેનર્જીએ પાર્ટીમાંથી બહારનો રસ્તો બતાવ્યો હતો, પરંતુ વિધાનસભાના સ્પીકરે તેમને વિપક્ષના નેતા તરીકે નિયુક્ત કર્યા છે. ધારાસભ્યો પછી TMCના સાંસદોએ પણ બળવો કર્યો અને 28માંથી 20 સાંસદો લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા સાથે મળ્યા હતા. બળવાખોર સાંસદોએ પોતાનું વિલીનીકરણ “નેશનલિસ્ટ સિટિઝન્સ પાર્ટી ઓફ ઇન્ડિયા”માં કરવાની જાહેરાત કરી હતી.
નગરપાલિકા, નગર નિગમ અને જિલ્લા પરિષદ પર નજર
તેમણે કહ્યું હતું કે એક વાર સાંસદો અને ધારાસભ્યોનો મુદ્દો સંપૂર્ણ થઈ જશે, ત્યાર બાદ અમે સ્થાનિક સ્વરાજ સંસ્થાઓ તરફ આગળ વધીશું. નગરપાલિકા, નગર નિગમ, જિલ્લા પરિષદ તેમ જ અનેક જિલ્લાઓના અધ્યક્ષો પણ અમારા સંપર્કમાં છે. આ સંસદીય લોકશાહી છે અને તેમાં સંખ્યાબળ ખૂબ મહત્વનું હોય છે. ઉલુબેરિયા ભૂતપૂર્વ બેઠકના ધારાસભ્ય ઋતબ્રતે ફરી ભારપૂર્વક કહ્યું હતું કે અમારું પ્રથમ ધ્યાન ધારાસભ્યો પર હતું, ત્યાર બાદ સાંસદો પર અને હવે અમે નગર નિગમો પર કબજો મેળવવાની દિશામાં આગળ વધી રહ્યા છીએ. ત્યાર બાદ નગરપાલિકા અને પછી જિલ્લા પરિષદોનો વારો આવશે.
‘અસલી TMC’ હોવાનો દાવો
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેમનું ગઠબંધન પોતાને અસલી TMC તરીકે રજૂ કરશે, ત્યારે તેમણે જવાબ આપ્યો હતો કે અમે જ TMC છીએ. અસલી અને નકલીનો પ્રશ્ન ક્યાં છે? બે તૃતીયાંશથી વધુ સાંસદો અમારા સાથે છે, બે તૃતીયાંશથી વધુ ધારાસભ્યો અમારા સાથે છે. જરૂર પડશે તો અમે ચૂંટણી પંચનો સંપર્ક કરીશું. તેમણે દાવો કર્યો હતો કે બળવાખોર ધારાસભ્યોની સંખ્યા 67-68 સુધી પહોંચી જશે. પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં TMCએ 80 બેઠકો જીતી હતી. તેમણે કહ્યું હતું કે બળવાખોર ધારાસભ્યોનું જૂથ રાજ્યમાં ભાજપ વિરુદ્ધ વિપક્ષની ભૂમિકા ભજવશે, જ્યારે બળવાખોર સાંસદો લોકસભામાં NDAને સમર્થન આપશે.






