નવી મુંબઈ: તાજેતરમાં NSE અને તાતા મેમોરિયલે સાથે મળીને એક ભૂમિપૂજન કર્યુ. તાતા મેમોરિયલ હોસ્પિટલના એડવાન્સ સેન્ટર ફોર ટ્રીમેન્ટ, રિસર્ચ એન્ડ એજ્યુકેશન ઈન કેન્સર (ACTREC) ખાતે આ ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. જેમાં નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા (NSE)ના સહયોગથી ગ્રાઉન્ડ પ્લસ ૧૧ માળની મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલ બાંધવામાં આવશે. NSEએ તેની કોર્પોરેટ સોશિયલ રિસ્પોનસિબિલિટી (CSR)ના ભાગરૂપે NSE ફાઉન્ડેશન મારફતે આ હોસ્પિટલ બાંધવા માટે તાતા મેમોરિયલ હોસ્પિટલ સાથે ભાગીદારી કરી છે.આ પ્રસંગે NSEના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર આશિષ કુમાર ચૌહાણ, તાતા મેમોરિયલ હોસ્પિટલના ડિરેક્ટર ડો. સુદીપ ગુપ્તા, ડૉ. પંકજ ચતુર્વેદી (ડિરેક્ટર, ACTREC) અને ડૉ. નવીન ખત્રી (ડેપ્યુટી ડિરેક્ટર અને બોન મોરો ટ્રીમેન્ટ સ્પેશિયાલિસ્ટ- BMT, ACTREC) હાજર રહ્યા હતા. ૨,૪૦,૦૦૦ ચોરસ ફૂટના બિલ્ટ-અપ એરિયા અને ૬૦-બેડવાળા બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ (BMT) સેન્ટર સાથે, આ સુવિધા ભારતનું સૌથી મોટું અને દક્ષિણ એશિયાના સૌથી મોટા BMT સેન્ટરોમાંનું એક હશે. તે નિઃશુલ્લક કે રાહતના દરે વાર્ષિક ૧.૩ લાખથી વધુ OPD દર્દીઓને સેવા આપવા અને દર વર્ષે ૬૦૦થી વધુ જીવનરક્ષક BMT પ્રક્રિયાઓ હાથ ધરશે.
આ હોસ્પિટલ કેન્સરના દર્દીઓને સહાય કરવા માટે જનરલ અને સુપર-સ્પેશિયાલિટી સેવાઓ પ્રદાન કરશે અને ACTREC કેમ્પસ માટે એક વ્યાપક OPD તરીકે કાર્ય કરશે. આ પ્રોજેક્ટ ૩૮૦ કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચે બનાવવામાં આવી રહ્યો છે. જેનું બાંધકામ લાર્સન એન્ડ ટુબ્રો (L&T) દ્વારા કરવામાં આવશે. કામગીરી જુલાઈ ૨૦૨૭ સુધીમાં શરૂ થવાની અપેક્ષા છે.
NSE ફાઉન્ડેશન અને તાતા મેમોરિયલ હોસ્પિટલ વચ્ચેનો આ સહયોગ સમગ્ર ભારતમાં સસ્તી, ઉચ્ચ-ગુણવત્તાવાળી કેન્સર સંભાળના અભાવને દૂર કરવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું બની રહેશે.
