BSEમાં એક ટકા પ્રીમિયમ પર લિસ્ટ થયા NSEના શેર

નવી દિલ્હીઃ નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડ એટલે કે NSEના શેર આજે શેરબજારમાં લિસ્ટ થયા છે. NSEની લગભગ એક દાયકાથી ચાલી રહેલી IPO પ્રક્રિયા હવે લિસ્ટિંગ સાથે પૂર્ણ થઈ છે. BSEમાં  આજે એક ટકા પ્રીમિયમ પર લિસ્ટ NSEના શેર લિસ્ટ થયા હતા.

રૂ. 22,600 કરોડનો રહ્યો NSE IPO

NSEનો IPO લગભગ રૂ. 22,600 કરોડનો હતો, જે ભારતનો અત્યાર સુધીનો બીજો સૌથી મોટો IPO છે. આ પહેલાં 2024માં હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયાએ લગભગ રૂ. 27,870 કરોડનો IPO રજૂ કર્યો હતો, જે દેશનો સૌથી મોટો જાહેર ઇશ્યુ છે. NSEનો ઈશ્યુ 5.71 ગણો સબસ્ક્રાઇબ થયો હતો. IPOને સંસ્થાકીય રોકાણકારો તરફથી મજબૂત પ્રતિસાદ મળ્યો હતો. QIB એટલે કે ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યુશનલ બાયર્સનો હિસ્સો 12.68 ગણો સબસ્ક્રાઇબ થયો હતો. જ્યારે NII કેટેગરીમાં 6.55 ગણો અને રિટેલ કેટેગરીમાં 1.39 ગણો સબસ્ક્રિપ્શન મળ્યું હતું.

BSE પર NSEનો શેર રૂ. 1800 પ્રતિ શેરના ભાવે લિસ્ટ થયો હતો, જે તેના ઉપલા પ્રાઇસ બેન્ડ રૂ. 1785 કરતાં 0.84 ટકા એટલે કે લગભગ એક ટકા વધારે છે. કંપનીએ આ IPO માટે પ્રતિ શેર રૂ. 1700થી રૂ. 1785ની પ્રાઇસ બેન્ડ નક્કી કરી હતી. લગભગ ફ્લેટ લિસ્ટિંગ છતાં બજારમાં NSEનું પ્રભુત્વ જોવા મળ્યું હતું. શેરની સફળ લિસ્ટિંગ સાથે જ નેશનલ સ્ટોક એક્સચેન્જનું કુલ માર્કેટ કેપિટલાઇઝેશન ₹4,45,500 કરોડના સ્તરે પહોંચી ગયું હતું.

દેશનો બીજો સૌથી મોટો IPO

NSEનો રૂ. 22,569 કરોડનો આ IPO દેશના ઇતિહાસનો બીજો સૌથી મોટો જાહેર ઇશ્યુ છે. NSEના આ IPOએ એલઆઈસીના રૂ. 21,000 કરોડના મોટા ઇશ્યુને પણ પાછળ છોડી દીધો છે.

વિશ્વના મોટા એક્સચેન્જમાં સામેલ થઈ શકે છે NSE

બુધવારે ગ્રે માર્કેટમાં નોંધાયેલા પ્રીમિયમના આધારે NSEનું અંદાજિત માર્કેટ કેપિટલાઇઝેશન લગભગ 47.5 અબજ ડોલર થઈ શકે છે. આ સ્તરે NSE વિશ્વના મોટા લિસ્ટેડ સ્ટોક એક્સચેન્જોમાં સામેલ થઈ શકે છે અને માર્કેટ વેલ્યૂની દૃષ્ટિએ લગભગ આઠમા સ્થાને આવી શકે છે.