અમદાવાદઃ પરીક્ષાઓમાં નકલ કરવા માટેના અજીબોગરીબ રસ્તાઓની ખબર ઘણા વખત સામે આવ્યા છે, પરંતુ બહુ ઓછા પ્રસંગોમાં એવું બને છે કે નકલના આવા કિસ્સાઓ શિક્ષણ વ્યવસ્થા પર જ પ્રશ્નો ઊભા કરે છે. આ વખતે ગુજરાતના વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) માં એવું જ થયું છે. આ વર્ષની પરીક્ષાઓ માત્ર જવાબપત્રો સુધી સીમિત રહી નથી, પરંતુ સમગ્ર શિક્ષણ પ્રણાલી સામે એક ગંભીર પ્રશ્ન ઊભો કર્યો છે કે શું વિદ્યાર્થીઓ શીખવા માટે અભ્યાસ કરે છે કે ફક્ત પાસ થવા માટે?
પ્રભારી રજિસ્ટ્રાર અને પરીક્ષા નિયામક એ. વી. ધાડુકે જણાવ્યું હતું કે પરંપરાથી હટીને ગુજરાતની આ યુનિવર્સિટીએ માર્ચમાં લેવાયેલી તેની મેડિકલ પરીક્ષાઓમાં નકલ કરતાં પકડાયેલા આશરે 400 વિદ્યાર્થીઓને દંડિત ન કરવાનો નિર્ણય લીધો છે. તેને બદલે યુનિવર્સિટી વિદ્યાર્થીઓને ‘મેલપ્રેક્ટિસિસ ઇન્ક્વાયરી કમિટી’ સમક્ષ હાજર થવા કહેશે. યુનિવર્સિટી જાણવા માગે છે કે તેમણે નકલ કેમ કરી અને ત્યાર બાદ તેમને કાઉન્સેલિંગ માટે મોકલવામાં આવશે.
ચેટGPT દ્વારા નકલ કરવાનો પ્રયાસ
કેટલાક વિદ્યાર્થીઓ મોબાઇલ ફોન છુપાવી લાવ્યા અને ChatGPT નો ઉપયોગ કરીને પ્રશ્નોના જવાબ મેળવવાનો પ્રયાસ કર્યો. આ ઉપરાંત, શરીર પર નોંધો લખવી, રૂમાલ અને બેચ પર માહિતી છુપાવવી જેવી જૂની રીતો પણ જોવા મળી. સૂત્રોના જણાવ્યા મુજબ 94 વિદ્યાર્થીઓ નકલ માટે પર્ચીઓ (ચીટ્સ)નો ઉપયોગ કરતાં પકડાયા, જ્યારે 45 વિદ્યાર્થીઓ પાસે પર્ચીઓ મળી આવી. 21 વિદ્યાર્થીઓ રૂલર, રબર અને હોલ ટિકિટ પર લખેલા નોંધોનો ઉપયોગ કરતા હતા. 17 વિદ્યાર્થીઓએ પોતાના હાથ અને પગ પર જવાબો લખ્યા હતા, જ્યારે 15 વિદ્યાર્થીઓએ રૂમાલ, કપડાં અને બેન્ચ પર જવાબો લખીને નકલ કરી.
નકલ કરવાની વિવિધ રીતો
11 વિદ્યાર્થીઓ કેલક્યુલેટર અને ઇલેક્ટ્રોનિક ઉપકરણોનો ઉપયોગ કરતા પકડાયા. છ વિદ્યાર્થીઓએ ChatGPTનો ઉપયોગ કરીને જવાબ તૈયાર કર્યા, જ્યારે ત્રણ વિદ્યાર્થીઓએ પોતાની જવાબપત્રિકામાં નોટ મૂકી પરીક્ષકોને ‘પાસ’ કરવાની વિનંતી કરી.
ધાડુકે જણાવ્યું હતું કે અમે વિદ્યાર્થીઓને બોલાવી તેમની વાત સાંભળી અને પૂછ્યું હતું કે તેમણે એવું કેમ કર્યું. વિદ્યાર્થીઓએ અમારી સામે પોતાની ભૂલ સ્વીકારી. અમે નકલ કરતા પકડાયેલા 14 વિદ્યાર્થીઓને મનોવૈજ્ઞાનિક કાઉન્સેલિંગ લેવાની પણ સલાહ આપી છે. ગયા વર્ષે 600થી વધુ વિદ્યાર્થીઓ નકલ કરતા પકડાયા હતા, જ્યારે આ વર્ષે આ સંખ્યા ઘટીને આશરે 400 થઈ છે.




