અમેરિકા-ઈરાન વચ્ચેના બે અઠવાડિયાના યુદ્ધવિરામ બાદ હોર્મુઝ સ્ટ્રેટમાંથી પ્રથમ બિન-ઈરાની તેલ ટેન્કર ‘MSG’ સુરક્ષિત રીતે પસાર થયું છે, જે યુએઈથી 7000 ટન ફ્યુઅલ ઓઈલ લઈને ગુજરાતના પીપાવાવ બંદર તરફ જઈ રહ્યું છે. જોકે, આ જળમાર્ગ હજુ પણ જોખમી છે અને વૈશ્વિક સ્તરે તેલના ભાવ 100 ડોલર પ્રતિ બેરલની આસપાસ જળવાયેલા છે. સીઝફાયર હોવા છતાં, લેબનાનમાં વધતા તણાવ અને ઈરાનના ટોલ વસૂલવાના ઈરાદાઓને લીધે શિપિંગ કંપનીઓ હજુ પણ સાવચેત છે. અત્યાર સુધી માત્ર મુઠ્ઠીભર જહાજો જ આ માર્ગેથી પસાર થયા છે, જે દર્શાવે છે કે સ્થિતિ હજુ પણ નાજુક છે.

વૈશ્વિક તેલના વેપાર માટે હોર્મુઝની સ્ટ્રેટ કરોડરજ્જુ સમાન છે, જ્યાંથી વિશ્વનો લગભગ 20 ટકા તેલ અને ગેસ પુરવઠો પસાર થાય છે. છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા સંઘર્ષને કારણે આ માર્ગ વ્યવહારિક રીતે બંધ જેવી સ્થિતિમાં હતો, જેના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો હતો. સીઝફાયર પછી ઈરાને વચન આપ્યું હતું કે તે વ્યાપારી જહાજોને સુરક્ષિત પસાર થવા દેશે, પરંતુ ડેટા એનાલિટિક્સ ફર્મ ‘કેપ્લર’ ના જણાવ્યા અનુસાર, અત્યાર સુધી પસાર થયેલા મોટાભાગના જહાજો ઈરાની ઝંડાવાળા જ હતા. આવી સ્થિતિમાં ‘MSG’ ટેન્કરનું સફળતાપૂર્વક પસાર થવું એ શિપિંગ ઉદ્યોગ માટે એક નાના પણ સકારાત્મક પગલા સમાન છે.
આ સંઘર્ષના માહોલમાં ઈરાન હવે હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા જહાજો પર નવો ‘ટોલ ટેક્સ’ કે સુરક્ષા ફી વસૂલવાની યોજના પર વિચાર કરી રહ્યું છે, જેણે આંતરરાષ્ટ્રીય સ્તરે નવી ચિંતા જગાવી છે. ઈરાનનું તર્ક છે કે તે આ જળમાર્ગમાં સુરક્ષા પૂરી પાડે છે, તેથી બદલામાં ફી વસૂલવી તેમના અધિકારમાં છે. જોકે, પશ્ચિમી દેશો અને શિપિંગ કંપનીઓ આને એક પ્રકારની જોર-જબરદસ્તી માની રહ્યા છે. આ પરિસ્થિતિને કારણે જહાજોના માલિકો હજુ પણ જોખમ લેવા તૈયાર નથી અને અનેક ટેન્કરો હજુ પણ પર્શિયન ગલ્ફના વિવિધ વિસ્તારોમાં રાહ જોઈ રહ્યા છે.




