રાષ્ટ્રીય કક્ષાની આદિજાતિ લેખકોની એક દિવસીય કોન્કલેવ

ગાંધીનગર: ‘આદિજાતિ સાહિત્ય, કલા, સંસ્કૃતિ અને પરંપરા’ વિષય પર એક દિવસીય રાષ્ટ્રીય કક્ષાની આદિજાતિ લેખકોની કોન્કલેવ ડૉ. બાબા સાહેબ આંબેડકર હોલ યોજાઈ. જે ગુજરાત ટ્રાઇબલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ સોસાયટી તેમજ આદિવાસી અધ્યાપક મંડળના સંયુક્ત ઉપક્રમે યોજાઈ હતી. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે આદિજાતિ વિકાસ મંત્રી ડૉ. કુબેરભાઈ ડીંડોર અને રાજ્ય મંત્રી કુંવરજીભાઈ હળપતિએ શુભેચ્છા સંદેશ આપ્યો હતો. આદિવાસી અધ્યાપક મંડળના પ્રમુખ ડૉ. ઈશ્વર ગામીત તથા ટ્રાઇબલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ સોસાયટીના ડાયરેક્ટર ડૉ. સી.સી.ચૌધરીના માર્ગદર્શનમાં આ કાર્યક્રમ યોજાયો હતો. આ કોન્કલેવમાં આદિવાસી સંસ્કૃતિ તેમનું ગૌરવશાળી ઇતિહાસ, આદિવાસી મેડિસિન,પ્રાચીન રમતો, ગીતો, ભજનો, વિવિધ પરંપરાઓ અને સરકારની આદિવાસીલક્ષી વિવિધ યોજનાઓ સહિત સમગ્રલક્ષી ચર્ચા અને સંવાદ કરવામાં આવ્યો હતો.બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. મધુકર પાડવીએ તેમજ ડાયરેક્ટર ડૉ. સી.સી.ચૌધરીએ અધ્યક્ષ તરીકેનું મુખ્ય વક્તવ્ય આપ્યુ હતું. પ્રથમ બેઠકમાં મુંબઈ યુનિવર્સિટીના ડૉ. પ્રકાશ મસરામે પોતાના વક્તવ્યમાં આદિવાસીઓના ગૌરવ વિશે વાત કરી. ત્યારબાદ મુખ્ય વક્તા નાગપુર વિદ્યાપીઠના ડૉ. શ્યામ કુરેટીએ આદિવાસીઓનો ઇતિહાસ કઈ રીતે લખવો જોઈએ તેના વિશે વિગતે ચર્ચા કરી હતી.વિવિધ સત્રોમાં વક્તા તરીકે ડૉ. પ્રભુ ચૌધરી, ડૉ. કનુ વસાવા, ડૉ. આનંદ વસાવા, ડૉ. જીતેન્દ્ર વસાવા, ડૉ. જયંતી ચૌધરી, અધ્યાપક મંડળના મંત્રી ડૉ. જે.બી.બોડાત, એડવોકેટ વનરાજ પારગી સહિતના વક્તાઓએ હાજર રહી પ્રસંગ અનુરૂપ વક્તવ્ય આપ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય દફતર ભંડારના ડાયરેક્ટર ડૉ. શૈલેષ સોલંકી અને ગુજરાત યુનિવર્સિટીના ઇતિહાસ વિભાગના પ્રોફે. અરુણ વાઘેલા પણ હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં પ્રાધ્યાપકો ઉપરાંત પી.એચ.ડી સ્કોલર્સ, સંશોધકો, સાહિત્યકારો, વકીલો, વિદ્યાર્થીઓ, લેખનમાં રુચિ ધરાવતા તમામ વ્યક્તિઓ ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.